Site icon Revoi.in

દિલ્હી બ્લાસ્ટ કેસ: NIAના શ્રીનગરમાં દરોડા, મૌલવી ઇરફાનના ઘરની સઘન તપાસ

Social Share

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ દિલ્હી બ્લાસ્ટ કેસના સંબંધમાં શનિવારે શ્રીનગરના નૌગામ વિસ્તારમાં એક ઘર પર દરોડા પાડીને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડો નાઈક-બાગ નૌગામ સ્થિત એક મકાન પર કરવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ મુખ્ય આરોપી મૌલવી ઇરફાન ભાડાના મકાન તરીકે કરતો હતો. આ મકાન ચાનપોરા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. મૌલવી ઇરફાન છેલ્લા કેટલાક વર્ષોથી આ ઘરમાં રહેતો હતો. NIAની ટીમે જ્યારે દરોડો પાડ્યો ત્યારે સમગ્ર વિસ્તારને સુરક્ષા ઘેરામાં લઈ લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં સ્થાનિક પોલીસ અને CRPF ના જવાનોએ એજન્સીને મદદ કરી હતી.

મૌલવી ઇરફાન મૂળ શોપિયાંનો રહેવાસી છે. અગાઉ જમ્મુ-કાશ્મીર પોલીસે તેની ‘જેશ-એ-મોહમ્મદ’ પોસ્ટર કેસમાં ધરપકડ કરી હતી. ત્યારબાદ હરિયાણા અને ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી ફરીદાબાદ અને સહારનપુરમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ થયો હતો, જેમાં ઇરફાનની સંડોવણી સામે આવતા તેને NIAને સોંપવામાં આવ્યો હતો. દિલ્હીના રેડફોર્ટ બ્લાસ્ટ કેસમાં પણ તેનું નામ મુખ્ય આરોપી તરીકે ખુલતા એજન્સીએ તેની વિધિવત ધરપકડ કરી છે.

તપાસ અધિકારીઓના મતે, મૌલવી ઇરફાન બ્લાસ્ટનું પ્લાનિંગ કરનારા અને તેને અંજામ આપનારા શંકાસ્પદ આતંકીઓના સીધા સંપર્કમાં હતો. એજન્સી અત્યારે તેના રોલની તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય આ બ્લાસ્ટ પાછળના આખા નેટવર્કને ઉઘાડું પાડવાનો છે. શ્રીનગરના આ દરોડા દરમિયાન મળી આવેલા સામાન અને ડિજિટલ પુરાવાઓના વિશ્લેષણના આધારે આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની શક્યતા છે.

Exit mobile version