Site icon Revoi.in

ગુજરાતમાં અપનાવાશે દિલ્હી મોડલઃ 20,000 સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સ્માર્ટ મોડેલ સ્કુલ બનાવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને  સવા વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ જે રીતે સ્માર્ટ સ્કુલો બનાવી છે, તે રીતે ગુજરાતની ભાજપ સરકાર પણ મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સને વધુ તેજીથી આગળ વધારી રહી છે, જેના ભાગરૂપે આ મિશન હેઠળ 20 હજાર જેટલી શાળાઓ આવરી લેવાનો નિર્ણય કરી 15,000 સરકારી પ્રાથમિક શાળા અને 5000 ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમાવેશ કરવા માટે સરકાર આગળ વધી રહી છે. વર્લ્ડ બેંકના સહયોગથી હાથ ધરવામાં આવનારા આ પ્રોજેકટ દેશનો પાયલોટ પ્રોજેકટ  બનશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારે વર્ષ 2020–21 ના બજેટ દરમિયાન મિશન સ્કૂલ ઓફ એકસલન્સની જાહેરાત કરી હતી. આ મિશન હેઠળ 20 હજાર જેટલી શાળાઓ આવરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 15 હજાર સરકારી પ્રાથમિક શાળા અને 5 હજાર ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમાવેશ કરવા માટે સરકાર આગળ વધી રહી છે. માળખાકીય સુવિધા પૂરતા પ્રમાણમાં વર્ગખંડ, સ્માર્ટ કલાસમાં અદ્યતન કોમ્પ્યુટર લેબ. ફીટ ઇન્ડિયા અંતર્ગત રમત–ગમતના સાધનો. વિશેષ પ્રકારનું ગુણવત્તાયુકત અને પરિણામ લક્ષી શિક્ષણ આપવામાં આવશે. આ માટે રાજ્યના શિક્ષણ વિભાગમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજય સરકાર આવતા દિવસોમાં અતિઆધુનિક મોડેલ સ્કૂલ બનાવવા જઇ રહી છે. જેમાં પ્રતિભાશાળી વિધાર્થીઓ માટે ખાસ નિવાસી શાળાઓની  સ્થાપના કરવામાં આવશે.

મિશન સ્કૂલ ઓફ એકસલન્સ હેઠળ 300થી વધુ વિધાર્થીની સંખ્યા ધરાવતી તમામ પ્રાથમિક શાળાઓ અને રાજયના તમામ જિલ્લા અને તાલુકા વર્ષમાં ઓછામાં ઓછી એક શાળાનો સમાવેશ થાય તેવી રીતે 6000 શાળાઓની મિશન સ્કૂલ ઓફ એકસલન્સ તરીકે પસંદગી કરવામાં આવશે. આ પ્રાથમિક શાળા પૈકી 20 ટકા જેટલી શાળાઓમાં અંદાજે 50 ટકા જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. બીજા તબક્કામાં 150થી વધુ વિધાર્થીઓ ધરાવતી વધુ 9000 સરકારી પ્રાથમિક શાળાઓને એસ્પાયરિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે પસંદગી કરવામાં આવશે. આ નવ હજાર શાળાઓમાં અંદાજે 17 લાખ જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યાનું જાણવા મળ્યું છે. બંને તબક્કામાં 5000 જેટલી સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પણ મિશન સ્કૂલ ઓફ એકસલન્સ હેઠળ આવરી લેવાનું આયોજન છે. મિશન સ્કૂલ ઓફ એકસલન્સ અંતર્ગત રાજયની શાળાઓમાં 33,000 વર્ગખંડની ઘટ આવતા ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે અને પસંદગી પામેલ શાળાની તમામ પ્રકારની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.