Site icon Revoi.in

દિલ્હીની રોહિણી કોર્ટ સંકુલમાં થયેલા બ્લાસ્ટનો ભેદ ઉકેલાયોઃ એક વૈજ્ઞાનિકની કરાઈ ધરપકડ

Social Share

દિલ્હીઃ રોહિણી કોર્ટમાં તાજેતરમાં થયેલા લો ઇન્ટેન્સિટી બ્લાસ્ટના કેસમાં DRDOના એક વૈજ્ઞાનિકનું નામ સામે આવ્યું છે. વૈજ્ઞાનિકે પાડોશમાં રહેતા વકીલને નિશાન બનાવવા માટે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળે છે.

દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ કહ્યું કે આ કેસને સ્પેશિયલ સેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. તે કોર્ટની સુરક્ષાનો મામલો હતો, તેથી તેને ગંભીરતાથી લેવામાં આવ્યો હતો. કોર્ટમાં આવેલા 1000 વાહનોની તપાસ કરવામાં આવી હતી. 100થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરાયા હતા. 1000થી વધુ સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા હતા. બહાર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોવા મળ્યા હતા. ડમ્પ ડેટાની પણ તપાસ કરવામાં આવી હતી. તે દિવસે કોર્ટમાં જે  આવવાના હતા, તે તમામની તપાસ કરવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બનાવ સ્થળ પર સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનાથી જાણવા મળ્યું હતું કે બોમ્બ બનાવવા માટે તે સરળતાથી ઉપલબ્ધ સામગ્રી હતી. IEDમાં માત્ર ડિટોનેટર જ વિસ્ફોટ થયો હતો, વિસ્ફોટક વિસ્ફોટ થયો ન હતો. જો આખો બોમ્બ ફૂટ્યો હોત તો મોટો બ્લાસ્ટ થયો હોત. બેગમાંથી એક લોગો મળી આવ્યો હતો જે મુંબઈની કંપનીનો હતો, તે કંપનીનું દિલ્હીમાં પણ વેરહાઉસ હોવાનું જાણવા મળ્યું હતું. તે કંપનીની તપાસથી ઘણી મદદ મળી. વિસ્ફોટ કરવા માટે ઉપયોગમાં લેવાતું રિમોટ એન્ટી ઓટો થેફ્ટ રિમોટ હતું, જેનો ઉપયોગ વાહનોમાં થાય છે. બેગમાંથી કેસ સાથે જોડાયેલી કેટલીક ફાઈલો પણ મળી આવી છે, તપાસમાં ઘણી વસ્તુઓ પણ મળી આવી છે. જે બાદ ભારત ભૂષણ કટારિયાની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ કમિશનરે જણાવ્યું કે તેમના ઘરમાંથી બોમ્બ બનાવવાની ઘણી સામગ્રી પણ મળી આવી છે. ભારત ભૂષણ કટારિયા ડીઆરડીઓમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક છે. તે દિવસે તે 2 બેગ સાથે અંદર ગયા હતા અને 2 વાર જુદા જુદા દરવાજામાંથી પસાર થયા હતા. કોઈને પણ શંકા ના જાય તે માટે તેઓ વકીલના ડ્રેસમાં કોર્ટમાં ગયા હતા. બ્લાસ્ટ બાદ તે કોર્ટની બહાર જયા રહ્યાં હતા. અમિત બક્ષી નામના વકીલ સાથે તકરાર ચાલી રહી છે. જેથી તેમની હત્યા કરવા માટે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.