- ICMR દ્વારા ચોંકાવનારો અભ્યાસ સામે આવ્યો
- વેક્સિનેશન બાદ સંક્રમિત થયેલ 80 ટકા લોકોમાં હતો ડેલ્ટા વેરિયન્ટ
- વેક્સિન લીધેલ લોકોમાં મૃત્યુદર ઘણો ઓછો
દિલ્હી : કોરોના વાયરસ મહામારી દરમિયાન દૈનિક કેસો ઘટી રહ્યા છે, પરંતુ જોખમ હજી સુધી સંપૂર્ણ રીતે ટળ્યું નથી. સરકાર અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સતત મહામારીના માર્ગદર્શિકાનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. દરમિયાન, આઈસીએમઆર દ્વારા એક ચોંકાવનારો અભ્યાસ સામે આવ્યો છે.અહેવાલ મુજબ કોરોના વેક્સિન લગાવવા છતાં લોકો સંક્રમિત થયા હતા.તેમાંથી મોટાભાગના લોકોને કોવિડના ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત હતા.
જો કે, આ અધ્યયનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રસી અપાવનારા લોકોમાં મૃત્યુ દર ખૂબ ઓછો હતો. આ અભ્યાસ લગભગ 677 લોકો પર કરવામાં આવ્યો હતો. આ 677 લોકોને વેક્સિન આપવામાં આવી હતી તેમાંથી 71 લોકોએ કોવેક્સિન લીધી હતી જ્યારે બાકીના 604 લોકોને કોવિશિલ્ડ લીધી હતી. સહભાગીઓમાંથી બેએ ચાઇનીઝ સિનોફોર્મ વેક્સિન પણ લીધી હતી. આમાંથી ત્રણ લોકોનાં મોત પણ થયાં હતાં. આઇસીએમઆર અભ્યાસ તે લોકો પર આધારિત છે જેમણે વેક્સિનનો એક અથવા બે ડોઝ લીધો હતો.
અધ્યયન મુજબ કુલ પોઝિટીવ થયેલા લોકોમાંથી 86.09% ડેલ્ટા વેરિયન્ટના B.1.617.2 થી સંક્રમિત હતા. સંક્રમિત લોકોમાંથી 9.8% ને હોસ્પિટલમાં દાખલ કરવાની આવશ્યકતા હતી, જ્યારે ફક્ત 0.4% મામલામાં મોત જોવા મળ્યા છે. આ અધ્યયન દ્વારા સૂચવવામાં આવ્યું છે કે કોરોના રસીકરણ જરૂરી છે. આવા કિસ્સાઓમાં મૃત્યુની સંભાવના ઓછી હોય છે અને મોટાભાગના લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ જરૂર હોતી નથી.