Site icon Revoi.in

ગુજરાતમાં ધો-10ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ ભરેલી ફી પરત કરવાની માંગણી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે બોર્ડની ધો-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારે નિર્ણય કર્યો હતો. હવે વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભરતી વખતે ભરેલી ફીને પરત કરવાની માગણી ઉઠી છે. તેમજ કોંગ્રેસના ધારાસભ્યએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને ફીની રકમ પરત ચુકવવાની માંગણી કરી છે. વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 355 લેખે પરીક્ષા ફી લેવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં બોર્ડ દ્વારા ધો-10 અને ધો-12ની પરીક્ષાનું મે મહિનામાં આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, કોરોના વાયરસની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયાં હતા. જેથી સરકાર દ્વારા પ્રથમ પરીક્ષા મુલત્વી રાખવામાં આવી હતી. દરમિયાન મુખ્યમંત્રીની અધ્યક્ષામાં મળેલી બેઠકમાં વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને ધો-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આમ લગભગ આઠેક લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમજ ધો-12ની બોર્ડની પરીક્ષા અંગે આગામી દિવસોમાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ધો-10ના વિદ્યાર્થીઓની પરીક્ષા પરત કરવામાં આવે તેવી કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર માંગણી કરી છે. ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, 50 ટકા વિદ્યાર્થીઓની ફી લેખે બોર્ડ તરફથી 13 કરોડથી વધુ પરીક્ષા ફી પરત કરવાની થાય છે, જે વિદ્યાર્થીઓને પરત કરવામાં આવે તેવી માંગ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આખુ વર્ષ કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું હતું. જો કે, કોરોના મહામારીને પગલે ધો-1થી 9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ બોર્ડના ધો-10ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.