Site icon Revoi.in

પ્રાથમિક શાળાઓમાં રોજ સરસ્વતી વંદનાથી શિક્ષણ કાર્યનો પ્રારંભ કરાવવા શાળા સંચાલકોની માગ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં સરકારી અને મોટાભાગની ખાનગી શાળાઓમાં રોજ શિક્ષણકાર્યના પ્રારંભ પહેલા પ્રાથના કરવામાં આવતી હોય છે. જો કે ઘણી મોર્ડન ગણાતી શાળાઓમાં વર્ષો જુની પ્રથાનો અમલ કરાતો નથી. આથા તમામ સરકારી અને જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સરસ્વતીજીની મૂર્તિની સ્થાપના કરીને સરસ્વતી વંદના કરાવવા શાળા સંચાલક મંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર વખીને માગણી કરી છે.

શાળા સંચાલક મંડળે એવી રજુઆત કરી છે કે, રાજ્યમાં સરકારી તથા જિલ્લા પંચાયતો દ્વારા ચાલતી પ્રાથમિક સ્કૂલોના બિલ્ડીંગમાં સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. ભારતીય સંસ્કૃતિના જતન માટે સ્કૂલોમાં સરસ્વતીનું મંદિર જરૂરી છે. પુરાણોમાં દરેક કામ માટે વિવિધ દેવી દેવતાના સિમ્બોલ હજારો વર્ષોથી ચાલી રહ્યા છે. અભ્યાસ અને શિક્ષણ માટે સરસ્વતીનું સ્મરણ કરવામાં આવે છે અને સરસ્વતી જ્ઞાનના દેવી છે. જેથી હવે અત્યારની સરકારી પ્રાથમિક સ્કૂલો અને બિલ્ડીંગ અને પછીથી બનનારા નવા બિલ્ડીંગમાં અઢીથી ત્રણ ફૂટની ઊંચાઈની બેઠેલી મુદ્રામાં સરસ્વતીની મૂર્તિ સ્થાપના કરવી જોઈએ.

વડાપ્રધાનને લખેલા પત્રમાં વધુમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, પ્રાથમિક શાળાઓમાં  સરસ્વતીજીની મૂર્તિની સ્થાપના કરવાથી સ્કૂલના વાતાવરણમાં બદલાવ થશે. પુરાતન સંસ્કૃતિના જતન માટે એટલે કે સ્કૂલો એ સરસ્વતીનું મંદિર છે અને ત્યાં માં સરસ્વતીની ઉપલબ્ધીથી કોઈ વાંધો ન હોય શકે. શિક્ષણકાર્યની શરૂઆત સરસ્વતી વંદનાથી થતી હોય છે. આ બાબત ધાર્મિક શિક્ષણના દાયરામાં પણ આવતી નથી. જેથી સ્થાપના કરી શકાય છે. લઘુમતી સ્કૂલોના સંચાલકોને બાકાત કરી તેમના પર નિણર્ય છોડીને અન્ય સ્કૂલોમાં મૂર્તિ સ્થાપવી જોઈએ. રાજ્ય સરકાર એક સમાન ડિઝાઇન બનાવીને સરક્યુલેટ કરે તે જરૂરી છે. આ માટે રાજ્ય સરકાર ખાસ ગ્રાન્ટ ફાળવે અને કામ પૂર્ણ કરવા ડેડલાઈન પણ જાહેર કરવી જોઈએ.