Site icon Revoi.in

ગાઢ ધુમ્મસને કારણે ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર બે સ્થળે અકસ્માત: 15થી વધુ વાહનો અથડાયા

Social Share

નવી દિલ્હીઃ ગાઢ ધુમ્મસને કારણે ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર આજે સવારે બે અલગ અલગ સ્થળોએ માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વિઝિબિલિટી ઓછી થવાને કારણે વાહનોની ગતિ પર નિયંત્રણ ન રહેતા આ અકસ્માતો સર્જાયા હતા. ચક્રસેનપુર ફ્લાયઓવર અને સમાધિપુર ફ્લાયઓવર પર સર્જાયેલા અકસ્માતમાં 15 વાહનોની ટક્કર થઈ હતી. જો કે, રાહતની વાત એ છે કે, આ બંને બનાવમાં કોઈ મોટી જાનહાની થઈ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ બનાવ ચક્રસેનપુર ફ્લાયઓવર પર બન્યો હતો, જ્યાં ત્રણ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. જ્યારે બીજો અને વધુ મોટો અકસ્માત સમાધિપુર ફ્લાયઓવર પર થયો હતો, જ્યાં લગભગ એક ડઝન જેટલા વાહનોની સિલસિલાબંધ ટક્કર થઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તરત જ રસ્તા પરથી તમામ ક્ષતિગ્રસ્ત વાહનોને દૂર કરીને સુરક્ષિત સ્થળે પાર્ક કર્યા હતા. રાહતની વાત એ છે કે, આ અકસ્માતોમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી.

વાહનો હટાવી લેવાતાં ટ્રાફિક સામાન્ય રૂપે ચાલુ કરી દેવાયો છે. પોલીસે આ સમગ્ર મામલે આગળની જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ડ્રાઇવરોને ધુમ્મસમાં વાહન ધીમું ચલાવવાની અને પૂરતું અંતર જાળવવાની સલાહ આપવામાં આવી છે.

Exit mobile version