Site icon Revoi.in

ગુજરાતના શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા સીએમનો આદેશ છતાં સમસ્યા યથાવત

Social Share

અમદાવાદઃ રાજ્યભરના તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા વિકટ બની છે. મુખ્યમંત્રીની ટકોર બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે ભેટીએ ચઢાવ્યાની ઘટના બન્યા બાદ વડોદરામાં જન્માષ્ટમીની રાત્રે બાઇક લઈને નીકળેલા બાઇકચાલકને રસ્તા પર રખડતી ગાયે ભેટીએ ચઢાવતાં તેનું મોત થયું હતું. અમદાવાદ,વડોદરા, રાજકોટ, ભાવનગર, સહિત અનેક શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા વકરતી જાય છે. ટ્રાફિકથી ભરચક ગણાતા રોડ પર પણ ઢોર અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળે છે. પણ કોઈ પગલાં લેવાતા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરમાં બાઇકચાલકને રસ્તા પર રખડતી ગાયે ભેટીએ ચઢાવતાં તેનું મોત થયું હતું. મોડી રાત્રે બનેલી આ ઘટનાએ પરિવાર સહિત લોકોમાં મ્યુનિ.કોર્પોરેશન સામે ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. નોંધનીય છે કે રાજ્યના મુખ્યમંત્રીની તિરંગાયાત્રામાં આખલો ઘૂસી જવાની બનેલી ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલે રસ્તે રખડતાં ઢોરોને પકડવાની ટકોર કરી હતી. જોકે એને પકડવાનો નિર્ણયનો હજી સુધી અમલ થયો નથી.

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રાજેશ ટાવર રોડ પર આવેલી B-1, વિષ્ણુકુંજ સોસાયટી વિભાગ-1 રહેતા જિજ્ઞેશભાઈ ઉર્ફે જિતુ મહીજીભાઈ રાજપૂત (ઉં.48) મોડી રાત્રે પોતાની બાઇક લઈને સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. આ સમયે વરસાદને કારણે સ્ટ્રીટ લાઇટો બંધ થઈ ગઈ હતી. લાઇટો બંધ હોવાને કારણે બાઇકચાલક જિજ્ઞેશ રસ્તા પર એકાએક દોડી આવેલી ગાયને જોઇ શક્યા નહોતા અને તેમને ગાયે ભેટીએ ચઢાવતાં તેઓ રોડ ઉપર પટકાયા હતા.ગાયે બાઇકચાલક જિજ્ઞેશ રાજપૂતને ભેટીએ ચઢાવતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. રોડ પર પટકાતાં બેભાન થઈ ગયેલા જિજ્ઞેશને હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દરમિયાન આ બનાવની જાણ પરિવારજનો અને સ્થાનિક લોકોને થતાં તેઓ દોડી આવ્યા હતા.

અમદાવાદ સહિત શહેરોમાં રખડતા ઢોરને દુર કરવા માગણી થઈ રહી છે. વરસાદની સીઝનમાં માલધારીઓ પોતાના પશુઓને રોડ પર છોડી દેતા હોય છે. અને પશુઓ રોડ પર અડ્ડો જમાવીને બેસતા હોય છે.