Site icon Revoi.in

ઈલેક્ટ્રિક વાહનો મોંઘા હોવા છતાં છેલ્લા બે વર્ષમાં ઈલે. વાહનોના વેચાણમાં 956 ટકાનો વધારો

Social Share

ગાંધીનગરઃ દેશ અને રાજ્યમાં વધતા જતાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે હવે લોકો ઈલેક્ટ્રિક વાહન ખરીદી રહ્યા છે. જોકે પેટ્રોલ-ડીઝલના વાહનો કરતા ઈલેક્ટ્રિક વાહનો મોંધા હોવાથી જેમને વધુ ફરવાનું થતું હોય તેવા લોકો જ આલેક્ટ્રિક વાહનો ખરીદી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 2019માં ઇલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશનની સંખ્યા 944 હતી જે વધીને 2020માં 1119 થઇ હતી. 2021માં નોંધપાત્ર રીતે વધારો થઇ 9778 ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. બે વર્ષમાં જ ઇલેક્ટ્રિક વાહનોમાં 956 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેની સામે પેટ્રોલ-ડીઝલના વાહનોના રજિસ્ટ્રેશનમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2019માં 16.16 લાખ પેટ્રોલ-ડીઝલના વાહનોના રજિસ્ટ્રેશન સામે 2021માં 12.09 લાખ વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. બે વર્ષમાં પેટ્રોલ-ડીઝલના વાહનોમાં 254 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં 2019માં 1.65 લાખ ઇલેક્ટ્રિક વાહનો નોંધાયા હતા જ્યારે 2020માં થોડો ઘટાડો થઇ 1.23 લાખ વાહનો નોંધાયા હતા તેમજ 2021માં નોંધપાત્ર રીતે વધારો થઇ 3.25 લાખ વાહનો નોંધાયા હતા. રાજ્યસભામાં કેન્દ્ર સરકાર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  2021માં સમગ્ર દેશમાં કુલ 3.25 લાખ ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી સામે પેટ્રોલ-ડીઝલના 1.83 કરોડ વાહનો નોંધાયા હતા. 2019માં 1.65 લાખ ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી સામે પેટ્રોલ-ડીઝલના 2.38 કરોડ વાહનો નોંધાયા હતા. છેલ્લા બે વર્ષમાં દેશમાં પેટ્રોલ-ડીઝલના વાહનોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 2021માં સૌથી વધારે 66 હજાર ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી ઉત્તરપ્રદેશમાં થઇ હતી. બીજા નંબરે કર્ણાટકમાં 33 હજાર ઇલેક્ટ્રિક વાહનોની નોંધણી થઇ હતી. જાપાનીઝ ઓટોમોબાઇલ કંપની સુઝુકી મોટર્સે હાલમાં જ જણાવ્યું હતું કે કંપની વર્ષ 2026 સુધીમાં રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો માટેની બેટરીના ઉત્પાદન માટે ગુજરાતમાં 10,440 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીએ આ માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.(file photo)