Site icon Revoi.in

અમદાવાદમાં હાઈરાઈઝ બિલ્ડિંગોની વણઝાર છતાં ફાયર બ્રિગેડ પાસે પુરતા અદ્યત્તન સાધનો નથી

Social Share

અમદાવાદઃ શહેરમાં ગગનચૂંબી ઈમારતો વધતા જાય છે. હવે તો સરકાર દ્વારા  12થી લઈને 24 માળ સુધીની ઊંચી હાઈરાઈઝ બિલ્ડિંગોને પરમિશન આપવામાં આવી રહી છે. આવી બિલ્ડિંગોમાં અકસ્માતે આગ લાગે તો મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગ પાસે પુરતા અદ્યત્તન સાધનો નથી. સ્નોરકેલ છે, પણ કહેવાય છે કે, તેને ઓપરેટ કરવા અનુભવી સ્ટાફ નથી. મ્યુનિ.ના ફાયર વિભાગના અધિકારીઓએ મુંબઈ સહિત મેગાસિટીમાં ફાયર વિભાગ કેવી રીતે કામગીરી કરે છે, તેનો અભ્યાસ કરીને પુરતા સાધનો વસાવીને સ્ટાફને તાલીમ આપવી જરૂરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના શાહીબાગ ગિરધરનગર સર્કલ પાસે આવેલા ઓર્કિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે શનિવારે આગ લાગી હતી જેમાં 17 વર્ષની કિશોરીનું દાઝી જવાના કારણે મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ફાયર વિભાગની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થયા હતા. સાતમાં માળે લાગેલી આગ ઓલવવા ફાયર વિભાગે નિકોલ ફાયર સ્ટેશનથી TTL (ટર્ન ટેબલ લેડર, સ્નોરકેલ) વાન બોલાવી હતી, પણ TTL સમયસર ઓપરેટ નહીં થવાના કારણે કિશોરીએ જીવ ગુમાવવો પડ્યો હોવાનું કહેવાય છે. મ્યુનિ. ફાયર પાસે 54-54 મીટરના બે હાઈડ્રોલિક પ્લેટફોર્મ છે જ્યારે 81 મીટરની એક TTL વાન છે. આ ત્રણે ઈમ્પોટેડ ઈક્વિપમેન્ટને ઓપરેટ કરવા માટે ફાયર પાસે પ્રશિક્ષિત સ્ટાફ નથી. 10 વર્ષ અગાઉ ત્રણે ઈક્વિપમેન્ટ ખરીદાયા હતા. જેની પાછળ આશરે 45 કરોડથી વધુનો ખર્ચ કરાયો હતો. દર વર્ષે તેના મેન્ટન્સ પાછળ એક કરોડથી વધુનો ખર્ચ થાય છે. આ ઈક્વિપમેન્ટ માત્ર ડ્રાઈવરો ઓપરેટ કરી રહ્યાં છે. ફાયરના એકેય સિનિયર અધિકારીને આ ઈક્વિપમેન્ટ ઓપરેટ કરતા આવડતું નહીં હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઈક્વિપમેન્ટ આવ્યા ત્યારથી લગભગ 200 કોલમાં તેનો ઉપયોગ થયો છે.

મ્યુનિ.ના ફાયર વિભાગના સૂત્રોના કહેવા મુજબ ત્રણેય ઈમ્પોર્ટેડ ઈક્વિપમેન્ટને ઓપરેટ કરવા માટે નિષ્ણાત ઓપરેટરની જરૂર હોય છે. કારણ કે, તેમાં મલ્ટિપલ સેન્સર મૂકેલા છે. ઓપરેશન દરમિયાન ઈક્વિપમેન્ટ સમક્ષ સામાન્ય હર્ડલ કે, અનઈચ્છિત વસ્તુનો સ્પર્શ થાય તો પણ તે બંધ થઈ શકે છે. ઈક્વિપમેન્ટના ઉપયોગ પહેલા તેનું બેલેન્સ અને એન્કરિંગ કરવાની વિશેષ ટેક્નિક છે. ટેક્નિકલ ગાઈડલાઈન વગર તેનો ઉપયોગ થઈ શકતો નથી. માટે ફાયરના સ્ટાફને પુરતી તાલીમ આપવાની જરૂર છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેરનો વિકાસ થતાં તેના વિસ્તારમાં પણ ખાસ્સો વધારો થયો છે. અને છેલ્લા એક દશકામાં તો હાઈરાઈઝ બિલ્ડિંગો અનેક બની છે. એટલું જ નહીં સરકારે પણ નિયમોમાં છૂટછાટ આપતા હવે 14થી 24 માળની બિલ્ડિંગો બની ગઈ છે. ઊંચી ગગનચૂંબી ઈમારતોમાં આકસ્મિત આગ લાગે તો તેના માટે મ્યુનિના ફાયર વિભાગ પાસે પુરતા અદ્યત્તન સાધનો નથી. તેથી હવે ફાયર વિભાગને પુરતા સાધનો પુરા પાડીને સ્ટાફને તાલીમ આપવાનું મ્યુનિ.ના સત્તાધિશોએ વિચારવું પડશે. (file photo)