Site icon Revoi.in

નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ છતાં અમદાવાદના પુસ્તક બજારમાં કાગડાં ઊડી રહ્યા છે

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. શાળા-કોલેજોમાં હાલ ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ થયો છે. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ થયો હોવા છતાં ઓનલાઈન શિક્ષણ હોવાથી વિદ્યાર્થીઓ કે વાલીઓને કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યુ છે. એક સમયે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી જ અમદાવાદના માણેક ચોક વિસ્તારમાં આવેલા પુસ્તક બજારમાં નવા-જુના પુસ્તકો, નોટ્સબુક્સ અને સ્ટેશનરી ખરીદવા માટે ભારે ભીડ જોવા મળતી હતી.

હાલ પુસ્તક બજારમાં કાગડાં ઊડી રહ્યા છે. કોરોના મહામારીના કારણે સ્કૂલ અને કોલેજોમાં ઓનલાઈન એજ્યુકેશનના ટ્રેન્ડથી શહેરનું પ્રખ્યાત જૂના પુસ્તક – ચોપડા બજાર ગ્રાહકો વગર નિસાસા નાખી રહ્યું હોય તેવા દ્રશ્યો નજરે ચડે છે. ઘણી બધી સ્કૂલએ પોતાની માનીતી કંપની પાસેથી પુસ્તકો લેવાનું ફરજિયાત કરતા, વાલીઓ પણ હવે, એ મટીરીયલ ખરીદવા માટે મજબૂર થયા છે અને ચોપડા બજાર પર ખાસ ગ્રાહકો નથી પહોંચી રહ્યા.

શહેરમાં છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીએ પુસ્તકો અને નોટ્સબુક્સના ધંધાદારીઓનો ધંધો છીનવી લીધો છે ત્યારે તેમની તરફ જોવા વાળું કોઈ નથી. આ વેપાર કરતા એક વેપારીએ કહ્યું કે, અમારી પરિસ્થિતિ અતિ ગંભીર છે અને હવે શું કરવું તે વિચારી રહ્યા છે. રેગ્યુલર સમયમાં લોકો અહીં પહોંચીને વિવિધ અગત્યના સાહિત્ય અને સ્ટડી મટીરીયલ  ખરીદતા હતા. પરંતુ, ઘણું ખરું એજ્યુકેશન મટીરીયલ ઓનલાઈન મળી જતા અને ઓનલાઈન એજ્યુકેશન સાઈટના કારણે ગ્રાહકો અહીં સુધી પહોંચતા જ નથી. આ લોકોની લાચાર પરિસ્થતિ તેમની આંખોમાં જોઈ શકતી હતી. ફોટોગ્રાફર જીગ્નેશ વોરાએ કેપ્ચર કરેલી આ પરિસ્થિતિ આપને વિચારતા કરી મૂકશે.