Site icon Revoi.in

બનાસકાંઠાના લોકોની તકદીર કાંકરેજી ગાય, મહેસાણી ભેંસ અને બટાટા ઉત્પાદને બદલી છેઃ મોદી

Social Share

પાલનપુરઃ સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં રૂ.600 કરોડથી વધુના ખર્ચે બનાવેલી બીજી ડેરીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનના હસ્તે દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન (FM 90.4)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ, બનાસ ડેરીના શંકરભાઈ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, બનાસકાંઠાના લોકોની તકદીર કાંકરેજી ગાય, મહેસાણી ભેંસ, અને બટાટા ઉત્પાદને બદલી છે.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘નમસ્તે, તમે બધા મજામાં’ કહીને સંબોધનની શરૂઆત કરી હતી. મા નડેશ્વરી અને મા અંબાની આ પાવન ધરતીને શત શત નમન કરી મજાક કરતાં તેમણે કહ્યું હતું કે થોડું હિન્દીમાં બોલીને ગુજરાતીમાં બોલીશ, બાબા બને હૈ તો હિન્દી બોલના પડેગા. આપની ક્ષમા અને મંજૂરી સાથે થોડું હિન્દી બોલું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં ગલબા કાકાના નામે મેડિકલ કોલેજ ખૂલી. તેમણે ખેડૂતપુત્ર હોવાથી મોટું કામ કર્યું છે. સૌથી પહેલા હુ ગલબા કાકાને મસ્તક નમાવું છું. બીજા નમન માતા-બહેનોને, જેઓ પોતાનાં સંતાનો કરતાં વધારે કાળજી પશુઓની રાખે છે. નવું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. એ લગભગ 30 લાખ લિટર દૂધની પ્રક્રિયાને સક્ષમ બનાવશે, લગભગ 80 ટન માખણ, એક લાખ લિટર આઈસક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ મિલ્ક (ખોયા) અને 6 ટન ચોકલેટનું દૈનિક ઉત્પાદન કરશે. બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ ફ્રેન્ચ ફ્રાઈસ, પોટેટો ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસ વગેરે જેવાં વિવિધ પ્રકારનાં પ્રોસેસ્ડ બટાટા ઉત્પાદનોનું ઉત્પાદન કરશે, જેમાંથી ઘણી અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં કો-ઓપરેટિવ મુવમેન્ટથી આત્મનિર્ભરતાના અભિયાનને બળ મળી રહ્યું છે. દેશમાં વર્ષે સાડા આઠ લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે. આ મૂલ્ય ઘઉં અને ચોખાની ઉત્પાદન કિંમત કરતાં પણ વધુ છે. ડેરી સેક્ટરનો સૌથી વધુ લાભ નાના ખેડૂતોને મળે છે. પશુપાલન કરીને પરિવારનું પેટ ભરતા નાના ખેડૂતોની મોટી ચિંતા કરવાનું કામ સરકારે કર્યુ છે. આવા ખેડૂતોને વર્ષમાં 3 વાર બે-બે હજાર રૂપિયા સીધા જ તેમના બેંક ખાતામાં ભારત સરકાર આપે છે તેની પણ પ્રધાનમંત્રીએ વિગતો આપી હતી. વડાપ્રધાનએ બનાસ ડેરીના વિવિધ બહુહેતુક પ્લાન્ટ્સના લોકાર્પણ અને ખાતમહૂર્ત પ્રસંગે ખેડૂતો-પશુપાલકોને સંબોધન કરતા કહ્યું કે, હું તમારો અનન્ય સાથી છું અને તમારી પડખે રહી કામ કરવા માગું છું. ઉત્તર ગુજરાતની સહકારી ક્ષેત્રની બનાસ ડેરીએ ઓછા વરસાદવાળા જિલ્લા બનાસકાંઠામાં કાંકરેજી ગાય, મહેસાણી ભેંસ અને બટાટા ઉત્પાદનથી લોકોની તકદીર બદલવાનું સફળ મોડેલ પૂરું પાડ્યું છે. લોકલ પ્રોડક્ટને ગ્લોબલ બનાવવા સ્થાનિક ખેડૂતોની આવક વધારવા અન્ય સંશાધનોનો પણ ઉપયોગ થઇ શકે તે બનાસ ડેરીએ સિદ્ધ કર્યુ છે. બનાસકાંઠાના ખેડૂતોએ મધ ઉછેર વ્યવસાય અપનાવી સ્વીટ રિવોલ્યુશનમાં સહભાગીતા કરી છે તેનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું કે, મગફળી અને સરસવમાંથી ખાદ્યતેલ બનાવવાના પ્લાન્ટથી અહિના ખેડૂતો ખાદ્યતેલ ક્ષેત્રે આત્મનિર્ભરતા જોડી છે.

બનાસ ડેરીના બાયો સી.એન.જી. અને ગોબર ગેસ પ્લાન્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ પ્લાન્ટ કચરામાંથી કંચન બનાવશે. તેનાથી સ્વસ્થતા અને સ્વચ્છતાના સંકલ્પ સાકાર થશે, પશુપાલકોને ગોબરધનમાંથી રૂપિયા મળશે, ખેડૂતોને જૈવિક ખાતર મળશે અને લોકોને વીજળી-ઊર્જા મળશે. આ મોડેલ આખા દેશમાં પહોંચે તે આવશ્યક છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે ઉમેર્યું કે, બનાસકાંઠાના લોકો જેને સમજી-સ્વીકારી લે તેને ક્યારેય છોડે નહીં. ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી પાણીની અછત વચ્ચે ઉત્કૃષ્ટ ખેતી કરતા અહીંના ખેડૂતોએ આ વાત સાબિત કરી બતાવી છે. પ્રધાનમંત્રીએ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે જિલ્લાદીઠ 75 તળાવના નિર્માણ દ્વારા વરસાદી પાણીના સંગ્રહ-સંચય કરી ધરતી માતાને અમૃતમય બનાવવાનું આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વિકાસ-જનકલ્યાણ માટેના અનેક માર્ગ હોય છે. સીમાદર્શન, રણોત્સવ, જેવા પ્રકલ્પોથી ટુરિઝમ ક્ષેત્રે રાજ્યના સરહદી જિલ્લાઓનો વિકાસ કર્યો છે, ગામડાઓને આર્થિક રીતે ધમધમતા કર્યા છે. આ પ્રસંગે રાજ્ય સરકારના વિદ્યા સમીક્ષા કેન્દ્રની આધુનિક સુવિધાઓ અને તેનાથી રાજ્યના શિક્ષણ ક્ષેત્રે આવેલા પરિવર્તનોનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો.