Site icon Revoi.in

વિકસિત દેશોએ કાર્બન ઉત્સર્જન ઘટાડવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએઃ કેન્દ્રીય મંત્રી આર.કે.સિંઘ

Social Share

અમદાવાદઃ કેન્દ્રીય ઊર્જા અને નવી અને નવીનીકરણીય ઊર્જામંત્રી આર.કે. સિંહ અને ગુજરાતના નાણાં અને ઊર્જા પેટ્રોકેમિકલ વિભાગના મંત્રી  કનુભાઈ દેસાઈએ  આજે ગાંધીનગરમાં ભારતમાં “એનર્જી ટ્રાન્ઝિશન – રોડ ટ્રાવેલ્ડ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ અહેડ” પર બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કોન્ફરન્સ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે આયોજીત કરવામાં આવી છે. કેન્દ્રીય ઊર્જા અને નવી અને નવીનીકરણીય ઊર્જામંત્રી શ્રી આર.કે. સિંઘે જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા તથા ઊર્જા ટ્રાન્ઝિશનને સુગમ બનાવવાના મહત્વાકાંક્ષી વિઝન સાથે આગળ વધવાનો છે. બે દિવસની આ પરિષદમાં ગ્રીડ એકીકરણ, ધિરાણ સાધનો અને સહાયક માળખાકીય સુવિધાઓ વિકસાવવા સંબંધિત પડકારો ઊપર વિચારણા કરી પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન અને વપરાશ વધારવા પર ભાર મુકવામાં આવશે. પોતાના સંબોધનમાં કેન્દ્રીય ઊર્જા મંત્રી એ કહ્યું કે ભારત 2030 સુધીમાં તેની જીડીપીના 45 ટકા જેટલો કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે કટિબધ્ધ છે.

કેન્દ્રીય મંત્રી આર.કે. સિંઘે વધુમાં જણાવ્યું હતું કે, વિકસિત દેશોએ કાર્બન ઉત્સર્જન કેવી રીતે થાય છે તેને બદલે કાર્બન ઉત્સર્જન ઘટાડવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે 80 ટકા કાર્બન ઉત્સર્જનનો બોજ વિકસિત દેશોનો છે, જેની વસતિ વિશ્વના માત્ર ત્રીજા ભાગની છે.  કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે 2030 સુધીમાં 500 ગીગાવોટની ફોસિલ ફ્યુઅઘલ આધારિત ક્ષમતા ઉમેરવાની અને ઇન્સ્ટોલ કેપેસીટીના સંદર્ભમાં રીન્યૂએબલ એનર્જીનો હિસ્સો ઓછામાં ઓછો 50 ટકા સુધી વધારવાનો ભારતનો લક્ષ્યાંક છે.

ગુજરાતના નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિ અને લાંબા ગાળાના આયોજનોને લીધે જ ગુજરાત આજે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન દેશમાં સૌ પ્રથમ વખત ગુજરાતમાં ક્લાયમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરવામાં આવી હતી, તેને લીધે સ્થિરતા-ટકાઉપણું, ઊર્જા સંક્રાંતિ અને નેટ-ઝીરો લક્ષ્યો હાંસલ કરવા સક્ષમ પગલાં લઈ શકાયા છે. રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના વિકાસ માટે પ્રોત્સાહનો પ્રદાન કરતી નવીનીકરણીય ઊર્જા અંગેની નીતિઓ બહાર પાડનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.

તેમણે કહ્યું કે, ગુજરાત આજે સ્થાપિત પવન ઊર્જા ક્ષમતામાં દેશભરમાં સૌ પ્રથમ ક્રમે છે, જે દેશની કુલ સ્થાપિત પવન ઊર્જા ક્ષમતાના 25 ટકા હિસ્સો ધરાવે છે. આઅ ઉપરાંત ગુજરાત સૌથી વધુ સ્થાપિત રૂફટોપ સોલર ક્ષમતા ધરાવે છે, જે ભારતની કુલ રૂફટોપ સોલર ક્ષમતાના 26 ટકા છે. આ કોન્ફરન્સમાં દેશ વિદેશના પાવર અને રિન્યુએબલ એનર્જી સેક્ટરના 250થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.