Site icon Revoi.in

કાયદાના નિયમોનું પાલન કરાવતા પોલીસ કર્મચારીઓને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવા DGPનો આદેશ

Social Share

અમદાવાદઃ શહેરના ઈસ્કોન ઓવરબ્રિજ વિસ્તારમાં ઘનાઢ્ય પરિવારના નબીરાએ સર્જાયેલા ગંભીર અકસ્માતની ઘટના બાદ પોલીસ તંત્ર સફાળુ જાગ્યું છે અને ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનાર વાહન ચાલકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે, કેટલાક પોલીસ કર્મચારીઓ જ ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરતા હોવાની વ્યાપાક ફરિયાદો ઉઠી છે. જેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવા નિર્દેશ કર્યો હતો. જો પોલીસ અધિકારી-કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે પરિવત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં પોલીસ કર્મચારીઓની કારમાં બ્લેક ફિલ્મ હશે તો ઉચ્ચ અધિકારી કાર્યવાહી કરશે, આ સિવાય પોલીસ કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ બાંધવાના પણ આદેશ આપી દેવાયા છે. રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, તમામ શહેર, જિલ્લા તેમજ વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જ્યારે કોઈ પોલીસનો કર્મચારી યુનિફોર્મ પહેરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની વિપરીત અસર લોકો ઉપર પડતી હોય છે, જેના કારણે પોલીસની છબી ખરડાઇ છે.પોલીસની ટ્રાફિકના નિયમો તોડવાની નીતિના ઘેરા પ્રત્યાઘાત પડતા હોય છે અને વાહનચલાકો પણ નિયમોનો ભંગ કરતા ડરતા નથી. તેમણે પરિપત્ર કરીને નિયમોનું પાલન નહીં કરતા પોલીસ કર્મચારીઓને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, પહેલા ટ્રાફિકના નિયમો મામલે પોલીસ કર્મીઓ સુધરે ત્યાર બાદમાં લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવે. પોલીસ કર્મચારીઓને કોઈ કાયદો લાગુ પડતો નથી તેવુ વિચારીને તે ટ્રાફિકના તમામ નિયમોનો ભંગ કરી રહ્યા છે. જેના કારણે હવે પોલીસ ખુદ પોલીસ વિરૂદ્ધ કાર્યવાહી કરે તેવી સ્થિતિ સર્જાઇ છે.