Site icon Revoi.in

રાજ્યમાં સાયન્સની કોલેજોને પુરતા વિદ્યાર્થીઓ મળવા મુશ્કેલ, ગુજરાત યુનિ.સંલગ્ન 3 કોલેજો બંધ થશે

Social Share

અમદાવાદઃ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આ વખતે ગત વર્ષની તુલનાએ 7 ટકા જેટલું ઓછું આવ્યું છે. દર વર્ષે એન્જિનિયરિંગ અને ફાર્મસી સહિતની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશને અંતે ઘણીબધી બેઠકો ખાલી રહેતી હોય છે. ત્યારે આ વર્ષે ઈજનેરી અને ફાર્મસીમાં વધુ બેઠકો ખાલી રહેવાની શક્યતા છે. જ્યારે વિજ્ઞાનની કોલેજોની હાલત સૌથી વધુ કફોડી બનશે. કારણ કે છેલ્લા પાંચ વર્ષથી ઘણીબધી વિજ્ઞાન પ્રવાહની કોલેજોને પુરતા વિદ્યાર્થીઓ મળતા નથી. ત્યારે આ વર્ષે ધો,12ના ઓછા પરિણામને લીધે ઘણી વિજ્ઞાનની કોલેજોને તાળાં લાગી જાય તેવી શક્યતા છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ત્રણ સાયન્સની કોલેજોએ બંધ કરવાની યુનિ.ના સત્તાધિશો સમક્ષ માગણી કરી છે.

ગુજરાતમાં છેલ્લા એકથી દોઢ દાયકામાં ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોને મોટા પ્રમાણમાં મંજુરી આપવામાં આવી છે. એટલે સ્થિતિ એવી ઊભી થઈ છે. કે, ઈજનેરી કોલેજોમાં પ્રવેશના અંતે ઘણીબધી બેઠકો ખાલી રહે છે. ઉપરાતં સૌથી વધુ સાયન્સ કોલેજોની હાલત કફોડી બની છે. સાયન્સ કોલેજોને પુરતા વિદ્યાર્થીઓ મળતા નથી. જેમાં સરકારી અને ગ્રાન્ટેડ સાયન્સની કોલેજોના કેટલાક અધ્યાપકો તો વિદ્યાર્થીઓને પોતે ફી ભરી દેશે એવો આગ્રહ કરીને પ્રવેશ લેવા દબાણ કરતા હોય છે. 5 વર્ષ અગાઉ શરૂ થયેલી ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ત્રણ સાયન્સ કોલેજ બંધ કરવા અરજી કરી છે. અને હજુ વધુ કોલેજો પણ બંધ કરવાની માગણી કરશે તેમ લાગી રહ્યું છે. તમામ સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન સાયન્સ કોલેજોને આ વર્ષે પુરતા વિદ્યાર્થીઓ મળવા મુશ્કેલ બનશે.

સૂત્રોના કહેવા મુજબ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બોપલમાં આવેલી ખ્યાતિ સાયન્સ કોલેજ, સરસ્વતી સાયન્સ કોલેજ અને માણસાની CHM સાયન્સ કોલેજે વિદ્યાર્થીઓ ના મળતા કોલેજોએ કોલેજ બંધ કરવા અરજી કરી છે. આ ત્રણેય કોલેજ 2016 અને 2018માં શરૂ થઈ હતી. સાયન્સના વર્ગ પાંચથી સાત વર્ષ અગાઉ જ શરૂ કરવા મંજૂરી આપી હતી, પરંતુ કોલેજ ટૂંક જ સમયમાં બંધ કરવી પડી રહી છે. ગુજરાત યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રારે જણાવ્યું હતું કે, કોલેજોને વિદ્યાર્થી મળ્યા નથી. વિદ્યાર્થીઓ ના હોવાથી કોલેજે બંધ કરવા માટેની મંજૂરી માંગી છે. ત્રણેય કોલેજમાં BSCનો અભ્યાસ કરવામાં આવતો હતો. ત્રણેય કોલેજ ખાનગી છે જેથી આગામી સમયમાં કોલેજ બંધ કરવા પરવાનગી આપવામાં આવશે. કોલેજ બંધ થવા પાછળનું કારણ 12 સાયન્સનું પરિણામ પણ છે. હવે વિદ્યાર્થીઓનો BSCમાં એડમિશન લેવાનો ક્રેઝ ઘટ્યો છે. આ ઉપરાંત સાયન્સમાં ઓછું પરિણામ આવવાથી કોલેજને વિદ્યાર્થીઓ મળતા નથી જેથી સાયન્સની કોલેજ બંધ કરવી પડી રહી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોમર્સની 3 ગ્રાન્ટેડ કોલેજોએ ગત વર્ષે  બંધ કરવા મંજૂરી માંગી હતી જેને મંજૂરી આપવામાં આવી નથી. સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પીટી ઠક્કર કોલેજ અને સહજાનંદ કોલેજે કોલેજ બંધ કરવા મંજૂરી માંગી હતી. ગ્રાન્ટેડ હોવાથી કોલેજ બંધ કરવા મંજૂરી આપવામાં આવી નથી છતાં કોલેજ દ્વારા ગત વર્ષે નવા એડમીશન ફાળવવામાં આવ્યા નહોતા.

Exit mobile version