Site icon Revoi.in

પાટડી તાલુકામાં નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતોને મુશ્કેલી

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકામાં નર્મદાની બ્રાન્ચ કેનાલમાં નર્મદાનું પાણી ના છોડાતા ખેડુતો પાતાના પાકને બચાવવા માટે મથામણ કરી રહ્યા છે. બીજી બાજુ એરંડામાં ઇયળના ઉપદ્રવથી આ વિસ્તારના ખેડુતોની દિવાળી બગડવાનો ઘાટ સર્જાયો છે. આ અંગે થોડા દિવસ પહેલા જ સુરેન્દ્રનગર સાંસદ અને કેન્દ્રીય મંત્રીને તેમજ સત્તાધિશોને રજુઆત કરી હતી. ત્યારે એવી ખાતરી આપવામાં આવી હતી કે, બે દિ’માં કેનાલનું રીપેરીંગ અને સફાઇ કામ શરૂ કરાશે. ત્યારબાદ કેનાલમાં પાણી છોડવામાં આવશે.  તંત્રના વાયદાને અઠવાડિયુ થયું છતાં પરિસ્થિતિ જૈસે થે હાલતમાં છે. એરંડામાં ઇયળના ઉપદ્રવથી બે વખત દવા છંટકાવ કરવા છતાં ઇયળો પ્રથમ મોલ જ ખાઇ જતા ઉતારો ઓછો આવવાની દહેશતથી ધરતીપૂત્રો ચિંતામાં ડૂબી ગયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટડીમાં આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે અઠવાડિયા અગાઉ પાટડીની મુલાકાતે આવેલા સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાને પાટડી સર્કિટ હાઉસમાં નર્મદા વિભાગના કાર્યપાલક ઇજનેર રમેશ રાજપાલની હાજરીમાં ખેડૂતોએ પાટડી માઇનોર- 6 ડિસ્ટ્રીક્ટ કેનાલમાં સાફસફાઈની સાથે કેનાલની અંદર ઉગેલા ઘાસ કટીંગ તથા કેનાલના ગાબડાઓનું કામ તથા કેનાલ ઉપરની દિવાલોનું કામ તેમજ બાવળ કટીંગના કામ અંગે વ્યાપક રજૂઆતો કરવામાં આવી હતી. આ વખતે ચોમાસામાં વરસાદ ઓછો પડ્યો હોવાથી ખેડૂતોને પાણીની ખુબ જરૂરિયાત હોવાથી રજૂઆતો કરવામાં આવી હતી. અને નર્મદાના અધિકારીઓએ બે જ દિવસમાં આ તમામ કામ શરૂ કરવાની બાયેંધરી આપવા છતાં હજી સુધી કામ ચાલુ કરવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાવા પામી છે.

સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા અનેક રજૂઆતો છતાં કેનાલ રીપેરીંગ કામ કે પાણી ન છોડાતા ખેડૂતો લાલઘૂમ છે. બીજી બાજુ જગતના તાતના ખેતરમાં એરંડામાં ઇયળના ઉપદ્રવથી ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં બે-બે વખત દવા છંટકાવ કરવા છતાં ઇયળો પ્રથમ મોલ જ ખાઇ જતા ખેડૂતોને મોંઢામાં આવેલો કોળીયો છીનવાઇ જવાની સાથે એરંડાના પાકમાં ઉતારો ઓછો આવવાની દહેશતથી ધરતીપૂત્રો ચિંતામાં ડૂબી ગયા છે. એરંડામાં ઇયળોના વ્યાપક ઉપદ્રવ સામે ખેડૂતોએ બે વખત દવા છંટકાવ કરવા છતાં પાછી ઇયળો આવી જતા રણકાંઠાના ખેડૂતો દિવાળીના તહેવાર ટાણેં જ દયનીય હાલતમાં મુકાઇ જવા પામ્યા છે.