Site icon Revoi.in

રેશનિંગના અનાજ માટે ઓનલાઈન પરમિટ પદ્ધતિને લીધે મધ્યાહન ભોજન યોજનાને મુશ્કેલી

Social Share

અમદાવાદઃ  રાજ્ય સરકારે રેશનિંગના અનાજ માટે ઓનલાઈન પદ્ધતિ લાગુ કરતા મધ્યાહન ભોજન યોજનાને રેશનિંગનું અનાજ મેળવવા ભારે મુશ્કેલી પડી રહી છે. શાળાના વિદ્યાર્થીઓ માટેની મધ્યાહન ભોજન યોજના માટે સરકાર દ્વારા અપાતા રાશનની પધ્ધતિ બદલાતા જુલાઇ માસથી અનેક સ્થળે ભોજન નિયમિત ન મળે તેવા સંજોગો ઉભા થયા છે. મધ્યાહન ભોજન યોજનામાં સંખ્યાંબધ કેન્દ્રો ઉપર જૂન મહિનાનો જથ્થો હજુ મળ્યો નથી. પ્રવેશોત્સવ વખતે જ તેની બૂમ પડે તેમ હતી પરંતુ યોજનાના કર્મચારીઓએ ઉછીનું અનાજ લઇને કામ ચલાવ્યું હતું પરંતુ તે પછી પણ ઓનલાઇન સેન્ટ્રલાઇઝ જથ્થાના વિતરણમાં ક્ષતિઓ રહેતા શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરને મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે.

રાજ્યના મધ્યાહન ભોજન કર્મચારી સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા એવીરજૂઆત કરવામાં આવી હતી કે, મધ્યાહન ભોજન યોજનાની કમિશનર કચેરી દ્વારા પૂર્વ આયોજન વિના અને યોજનાના 96 હજાર કર્મચારીની જાણ બહાર આ નવતર પ્રયોગ કરાયો છે. 43 લાખ બાળકો માટેની પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારીના મહાસંઘ સાથે કોઇ બેઠક કર્યા વિના નવી વ્યવસ્થા શરૂ કરી છે. જેના નકારાત્મક પરિણામ જૂન મહિનાથી શરૂ થયા છે. 20 જિલ્લામાં તેલ, કઠોળ અને અનાજની વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. 28 હજાર કેન્દ્રમાં ઓનલાઇન પરમીટ ગાંધીનગરથી જનરેટ થાય તો જ જોગવાઇ મુજબનું રાશન મળી શકે તેવી પધ્ધતિ અમલી બનાવાઇ છે. આ માટે ગોડાઉનમાં જથ્થો ઉપલબ્ધ હોય તો જ પરમીટ જનરેટ કરી શકાય પરંતુ જથ્થો ઉપલબ્ધ નહીં હોવાથી મળી શક્યો ન હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવમાં ભોજન બંધ ન રહે તે માટે કચેરી દ્વારા દબાણ કરાતા સ્થાનિક સ્તરે વ્યવસ્થા કરીને 20 દિવસ ભોજન બંધ ન થાય તે માટે તેલની પણ બહારથી ખરીદી કરી છે. જૂનનો જથ્થો જુલાઇની 29 તારીખે ઇશ્યૂ થવાનો છે. તેથી આ પધ્ધતિ સ્થગિત કરવી જરૂરી છે. અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા અગાઉના મહિનામાં જ ઇન્ડેન્ટ મુજબનો જથ્થો તમામ તાલુકામાં ઉપલબ્ધ છે તેવું પ્રમાણપત્ર મેળવીને સેન્ટ્રલાઇઝ પરમીટ જનરેટ કરાય તો જ આ પધ્ધતિ ચાલી શકે તેમ છે અન્યથા જુલાઇમાં ફરીથી રાશનનો જથ્થો મેળવવો મુશ્કેલ બનશે.