Site icon Revoi.in

ડિજીટલ ઈન્ડિયાઃ રાજકોટની તમામ ગ્રામ પંચાયતમાં હવે ક્યુઆર કોડ મારફતે પેમેન્ટ કરી શકશે

Social Share

રાજકોટઃ હાલ મોબાઈલ ટેક્નોલોજીના ઉપયોગથી પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે, ત્યારે “ડિજિટલ ઈન્ડિયા” અંતર્ગત પંચાયતોમાં વેરા વસૂલાતમાં પણ યુ.પી.આઈ. (યુનિફાઈડ પેમેન્ટસ્ ઇન્ટરફેસ)થી પેમેન્ટની સિસ્ટમ લાગુ કરાઈ રહી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીદેવ ચૌધરીના નેતૃત્વમાં રાજકોટ જિલ્લાની તમામ 588 ગ્રામ પંચાયતોમાં ક્યુ.આર. કોડ મારફત યુ.પી.આઈ.થી પેમેન્ટની સિસ્ટમ લાગુ થઈ ગઈ છે. આમ રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લોકો પંચાયતોમાં પણ વેરા સહિતના પેમેન્ટ મોબાઈલ મારફત સરળતાથી ચૂકવી શકે છે.

નાયબ જિલ્લા વિકાસ અધિકારી બ્રિજેશ કાલરિયાના જણાવ્યા પ્રમાણે, રાજકોટ જિલ્લાની તમામ 588 ગ્રામ પંચાયતમાં ક્યૂ.આર. કોડ આપીને યુ.પી.આઈ. પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવાનું કામ ગતિમાં હતું. ડી.ડી.ઓ. દેવ ચૌધરીના નેતૃત્વમાં બહુ જ ટુંકા ગાળામાં રાજકોટ જિલ્લા પંચાયતે 100 ટકા ગ્રામ પંચાયતોમાં ક્યૂ.આર. કોડ આપીને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અમલી બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. આમ જિલ્લાની 588 ગ્રામ પંચાયતોમાં નાગરિકો માટે હવે વેરા સહિતની ચૂકવણી ખૂબ સરળ બની છે. ખેડૂતો પોતાના ખેતર કે ઘરે બેઠા વેરો ચૂકવી શકે છે.

યુ.પી.આઈ. મારફત ગ્રામ પંચાયતને લગતા પાણીવેરા, સફાઈવેરા, દીવાબત્તી વેરા, મકાનવેરા, વ્યવસાય વેરા વગેરેનું પેમેન્ટ સરળતાથી કરી શકાય છે. વળી, નાગરિકોને આ વેરા ચૂકવ્યાનો પૂરાવો રેફરન્સ નંબર તરીકે મોબાઇલમાં જ મળી જાય છે. આ ઉપરાંત લોકફાળો કે અન્ય લેણા કે વસૂલાત પણ યુ.પી.આઈ.થી ચૂકવી શકાય છે.

યુ.પી.આઈ. (યુનિફાઇડ પેમેન્ટસ ઈન્ટરફેસ)એ ભારતની વિવિધ બેન્કસ દ્વારા બનેલી સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એન.પી.સી.આઈ.)એ વિકસાવેલી એક વ્યવસ્થા છે, જેને કારણે ભારતની જુદી જુદી બેન્કના ખાતા વચ્ચે ખાતેદારો, ઇન્ટરનેટ ટેક્નોલોજીની મદદથી સહેલાઇથી રકમની આપ-લે કરી શકે છે. લોકો પોતાના સ્માર્ટફોનથી સરળતાથી યુ.પી.આઈ. નંબર પર પેમેન્ટ કરી શકે છે.