Site icon Revoi.in

લોકસભામાં કોંગ્રેસ સાથે નહીં બેસે DMK, સંસદમાં અલગ બેઠક વ્યવસ્થાની કરી માગ

Social Share

નવી દિલ્હી, 5 જૂન 2026: તામિલનાડુની સત્તાધારી પાર્ટી દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે) અને કોંગ્રેસ વચ્ચે વધતું રાજકીય અંતર હવે સંસદમાં પણ ખુલ્લેઆમ સપાટી પર આવી ગયું છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની પાર્ટી ડીએમકેએ લોકસભામાં કોંગ્રેસના સાંસદોની બાજુમાં બેસવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સંસદીય વર્તુળોમાંથી મળતા સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ડીએમકે દ્વારા લોકસભા સ્પીકરને સંસદ ગૃહમાં તેમના સાંસદો માટે અલગ બેઠક વ્યવસ્થા કરવા વિનંતી કરવામાં આવી હતી, જેને સ્વીકારી લેવામાં આવી છે.

મળતી વિગતો મુજબ, ડીએમકેના વરિષ્ઠ મહિલા નેતા અને સાંસદ કનિમોઝીએ લોકસભા અધ્યક્ષને સત્તાવાર પત્ર લખીને પક્ષના તમામ સાંસદો માટે કોંગ્રેસથી અલગ સીટો ફાળવવાની માગ કરી હતી. કનિમોઝીના આ પત્ર બાદ લોકસભા સચિવાલય દ્વારા ડીએમકે માટે અલગ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ડીએમકે અને કોંગ્રેસના દાયકાઓ જૂના સંબંધોમાં આ કડવાશ તામિલનાડુના સ્થાનિક રાજકારણને કારણે આવી છે. રાજ્ય સરકારમાં યોગ્ય હિસ્સો ન મળવાને કારણે નારાજ કોંગ્રેસે તામિલનાડુના સુપરસ્ટાર અને રાજનેતા જોસેફ વિજયની નવી પાર્ટી ‘તમિલગા વેત્રી કડગમ’ સાથે હાથ મિલાવ્યા હતા. તાજેતરની ચૂંટણીમાં ટીવીકે અને કોંગ્રેસ ગઠબંધનને મોટી જીત મળી અને કોંગ્રેસ ત્યાં નવી સરકારનો હિસ્સો બની ગઈ. આ ઘટનાક્રમથી સ્ટાલિનની ડીએમકે લાલચોળ છે અને તેમણે દિલ્હી સુધી કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે.

સંસદમાં અલગ બેસવા ઉપરાંત ડીએમકેએ 8 જૂનના રોજ યોજાનારી ‘ઇન્ડિ’ ગઠબંધનની હાઈપ્રોફાઈલ બેઠકમાં જવાનો પણ નકાર ભણી દીધો છે. ડીએમકેના સિનિયર નેતા ટીકેએસ ઈલંગોવનએ જણાવ્યું હતું કે, “અમે હવે ‘ઇન્ડિ’ ગઠબંધનનો ભાગ નથી, તેથી આ બેઠકમાં ભાગ લેવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. કોંગ્રેસે પોતે જ જાહેર કર્યું હતું કે તેઓ અમારાથી અલગ થઈ રહ્યા છે. તામિલનાડુમાં અમારા કારણે તેમના 5 ધારાસભ્યો જીત્યા અને અમે તેમને રાજ્યસભાની સીટ પણ આપી, છતાં તેઓ અમારા નેતાનો આભાર માનવા પણ ન આવ્યા.”

સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભામાં હાલમાં તૃણમૂલ કોંગ્રેસને ફાળવવામાં આવેલી જગ્યા હવે ડીએમકેના સાંસદોને આપવામાં આવી શકે છે. ચર્ચા છે કે ડીએમકેના વરિષ્ઠ સાંસદ ટી.આર. બાલુને ગૃહની પ્રથમ હરોળમાં સીટ નંબર 354 ફાળવવામાં આવી શકે છે, જે સીટ હાલમાં મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસી નેતા અભિષેક બેનર્જી પાસે છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ પણ મોટા આંતરિક સંકટમાંથી પસાર થઈ રહી છે, જેની ગૂંજ સંસદ સુધી પહોંચી છે. વિધાનસભામાં ‘નેતા વિપક્ષ’ના પદને લઈને મમતા બેનર્જી સામે પક્ષમાં જ બળવો થયો છે. ટીએમસી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે ખુલ્લેઆમ પક્ષના ટોચના નેતૃત્વની આલોચના કરી છે. એટલું જ નહીં, ટીએમસીના કેટલાક સાંસદો લોકસભામાં અભિષેક બેનર્જીને સંસદીય દળના નેતા પદેથી હટાવવા માંગે છે અને આ અંગે સ્પીકર ઓમ બિરલાને પત્ર લખવામાં આવ્યો હોવાની પણ જોરદાર ચર્ચા છે.

Exit mobile version