Site icon Revoi.in

ચહેરા પર ભૂલથી પણ ન લગાવો આ 5 વસ્તુઓ, નહીં તો ખીલથી ચહેરો બગડશે

Social Share

ઉનાળા અને અસહ્ય ભેજવાળા હવામાનમાં ઓઇલી સ્કીન (તૈલી ત્વચા) ધરાવતા લોકોની મુશ્કેલીઓ ઘણી વધી જાય છે. આ ગરમીમાં સ્કીન કેરને લગતી નાની સરખી ભૂલ પણ ચહેરા પર ખીલ (પિમ્પલ્સ) નું કારણ બની શકે છે. આજકાલ સોશિયલ મીડિયા પર રીલ્સ કે વીડિયો જોઈને મોટાભાગની મહિલાઓ ઘરગથ્થુ ઉપચારો આંધળુકિયા કરીને ચહેરા પર અખતરા કરવા લાગે છે, જે પાછળથી ભારે પડે છે. ઓઇલી સ્કીન પર પહેલાથી જ ચીકાશ હોવાને કારણે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નિષ્ણાતોના મતે તૈલી ત્વચા ધરાવતા લોકોએ પોતાના ચહેરા પર કેટલીક વસ્તુઓ લગાવવાથી સખત પરેજી રાખવી જોઈએ.

ત્વચા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, નાક કે ગાલ પર વધારાનું તેલ આવવાનું મુખ્ય કારણ સ્કીન પર સેબમ પ્રોડક્શનમાં ગરબડ છે. આપણી ત્વચામાં રહેલી સેબેસિયસ ગ્લેન્ડ એક તેલીય પદાર્થ ‘સેબમ’ બનાવે છે. ત્વચાની યોગ્ય દેખરેખનો અભાવ અને પેટને લગતી સમસ્યાઓ પણ ચહેરા પર એક્સ્ટ્રા ઓઈલ લાવવા માટે જવાબદાર બને છે.

ઓઇલ બેઝ્ડ ક્રીમ અથવા બટરઃ જો તમારી સ્કીન પર ઓઇલ વધારે બનતું હોય, તો ભારે અને ઘટ્ટ ક્રીમનો ઉપયોગ કરવાનું ટાળો. શિયા બટર કે કોકો બટર જેવી ક્રીમ લગાવવાથી ત્વચા પર એક જાડું પડ બની જાય છે. પરિણામે ત્વચાના છિદ્રો બંધ થઈ જાય છે અને સ્કીન ખુલીને શ્વાસ લઈ શકતી નથી, જેથી ખીલ થવા લાગે છે.

ડાયરેક્ટ ઓઇલ લગાવવાની ભૂલઃ ઘણા લોકો ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા માટે નાળિયેર તેલ કે અન્ય તેલ સીધા ચહેરા પર લગાવે છે. પરંતુ ઓઇલી સ્કીન પર તેલનો સીધો ઉપયોગ આફત નોતરી શકે છે. નિષ્ણાતોના મતે, તેલ લગાવવાથી સ્કીનના પોર્સ (છિદ્રો) બ્લોક થઈ જાય છે અને પિમ્પલ્સ નીકળવા તે નક્કી છે.

પેટ્રોલિયમ જેલી પણ નુકસાનકારકઃ ચહેરા પર પહેલેથી તેલ હોવા છતાં કેટલાક લોકો પેટ્રોલિયમ જેલી લગાવવાની ભૂલ કરે છે. આવા પ્રોડક્ટ્સ ઓઇલી સ્કીનને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તે ત્વચાના કુદરતી ભેજને બ્લોક કરે છે અને ચીકાશ બમણી કરી દે છે. તેનો ઉપયોગ કરતા પહેલા સ્કીન સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી હિતાવહ છે.

હાર્ડ સ્ક્રબનો ઉપયોગઃ બજારમાં મળતા હાર્ડ સ્ક્રબ ત્વચાના સ્તરને નુકસાન પહોંચાડે છે. જો કે, આવા પ્રોડક્ટ્સ ઓઇલ સુકવી દેવાનો દાવો કરે છે અને શરૂઆતમાં ઓઇલ ઓછું થતાં સારું લાગે છે, પરંતુ તે ત્વચામાં બળતરા અને ખંજવાળ પેદા કરે છે. તેથી ઓઇલી સ્કીન પર ક્યારેય કઠોર સ્ક્રબ ન ઘસવું.

રાસાયણિક અને અજાણ્યા ફેસપેકઃ સોશિયલ મીડિયાના વીડિયો જોઈને ચહેરા પર ગમે તેવા લીંબુ, ખાવાનો સોડા કે કેમિકલયુક્ત ઘરગથ્થુ પેક લગાવવાથી બચો. તેનાથી ત્વચાનું પીએચ લેવલ બગડે છે અને ઇન્ફેક્શન વધી શકે છે.

ઓઇલી સ્કીન ધરાવતા લોકોએ હંમેશા જેલ-બેઝ્ડ અથવા વોટર-બેઝ્ડ મોઇશ્ચરાઇઝર અને ફેસવોશનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ત્વચા સદાય ફ્રેશ અને પિમ્પલ-ફ્રી રહે.

Exit mobile version