Site icon Revoi.in

સુદાનની રાજધાની ખાર્તુમમાં ડ્રોન હુમલો, 43 લોકોના મોત

Social Share

નવી દિલ્હીઃ સુદાનની રાજધાની ખાર્તુમની દક્ષિણમાં એક બજાર પર ડ્રોન હુમલામાં 43 લોકો માર્યા ગયા અને 55 અન્ય ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલોને બશીર યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સુદાનમાં દેશના નિયંત્રણ માટે સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ હુમલો થયો છે. જનરલ અબ્દેલ ફતાહ બુરહાનની આગેવાની હેઠળની સેના અને જનરલ મોહમ્મદ હમદાનની આગેવાની હેઠળના અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ – RSF – વચ્ચે એપ્રિલના મધ્યભાગથી સુદાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે.  આરએસએફએ આ હુમલા માટે એરફોર્સને જવાબદાર ઠેરવ્યું છે. દરમિયાન, સેનાએ આરએસએફના આરોપોને ખોટા અને ભ્રામક ગણાવ્યા છે અને કહ્યું છે કે, હુમલામાં નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા નથી.

દક્ષિણી ખાર્તૂમ ઈમરજન્સી રૂમ નામના સ્થાનિક સ્વયંસેવકોના જૂથ દ્વારા જાહેર કરવામાં આવેલા ફોટોગ્રાફમાં કેટલીક મહિલાઓ અને પુરુષ ઈજાગ્રસ્ત જોવા મળે છે અને મૃતદેહ દેખાય છે. રિપોર્ટ અનુસાર જે વિસ્તારમાં હવાઈ હુમલા થયા તે દેખીતી રીતે આરએસએફના નિયંત્રણમાં છે. રિપોર્ટ અનુસાર, આ ઘટના બાદ RSFએ એક નિવેદનમાં સુદાનની સેના પર હુમલાનો આરોપ લગાવ્યો છે. જો કે, સુદાનની સેનાએ જવાબદારીનો ઇનકાર કર્યો હતો અને આરએસએફને દોષી ઠેરવ્યો હતો. બ્રિગેડિયર જનરલ નબિલ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે અમારો હેતુ માત્ર દુશ્મન જૂથો અને અલગ-અલગ વિસ્તારોમાં સ્ટેશનો પર હુમલો કરવાનો છે. ઓગસ્ટના યુએનના આંકડા અનુસાર, સેના અને આરએસએફ વચ્ચેના સંઘર્ષમાં 4,000 થી વધુ લોકોના મોત થયા છે. ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે મોટી સંખ્યામાં લોકોએ દેશ છોડી દીધો છે. હિંસાને કારણે લગભગ 71 લાખ લોકોએ પોતાનું ઘર છોડી દીધું છે, જ્યારે 11 લાખ લોકોએ વિદેશમાં આશરો લીધો છે.