Site icon Revoi.in

બનાસ ડેરી દ્વારા દુધ ભરવા માટે ડ્રોન ટેકનોલોજી, અને ઢોરનું છાણ ઉપાડવા માટે રોબોટનો ઉપયોગ

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી હવે ટેકનોલોજી ક્ષેત્રે પણ આગળ વધી રહી છે. દુધ ભરવા માટે ડ્રોન ટેકેનોલોજીનો ઉપયોગ તેમજ ઢોરના છાણ ઉપાડવા માટે રોબોટ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. ઉપરાંત પશુપાલકોની આવક વધારવા માટે ડેરીના સંચાલકો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

બનાસ ડેરી અને ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા થરાદ તાલુકાના મોટામેસરા ગામે ચેરમેન શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં મહિલા જાગૃતિ કાર્યક્રમમાં ચેરમેને પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને બનાસ ડેરીના ભવિષ્યના પ્લાનિંગ અંગે જણાવ્યું હતું કે “વિશ્વમાં બનાસ ડેરી જ એક માત્ર પ્રથમ એવી ડેરી છે જે ઇ- ડેરી બની છે. પહેલા બનાસ ડેરી પોતાની કામગીરીમાં કાગળનો ઉપયોગ કરતી હતી, પરંતુ હવે બનાસ ડેરી પોતાની તમામ કામગીરી કમ્પ્યુટરમાં કરે છે. બનાસની બહેનો ગોબરને હાથથી ઉપાડે છે, પરંતુ બનાસ ડેરી એક એવા રોબોટની ટેકનોલોજી પર કામ કરી રહી છે, જે ગોબર ઉઠાવશે અને એકઠું કરશે. તે સાથે બનાસ ડેરી પ્રતિ કિલોએ છાણનો 1 રૂપિયો આપે છે, તેનો ભાવ પણ વધારશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બનાસ ડેરી એવી ડ્રોન ટેકનોલોજી ઉપર કામ કરી રહી છે કે, પશુપાલક પોતાના ફોન થકી ડ્રોનને હેન્ડલ કરશે, ડ્રોનમાં દૂધ રાખીને દૂધ મંડળીએ ભરાવી શકશે.એ સાથે ગૌમૂત્ર પર રિસર્ચ કરાઈ રહ્યું છે, તેમાં વેલ્યુ એડીશન કરીને તેને માર્કેટમાં મુકવામાં આવશે, જેના દ્વારા પશુપાલકોને આવક મળતી થશે. ગાયનું ઝરણ ઘણીબધી રીતે ઉપયોગી છે, વધુ દૂધ આપતી કાંકરેજ અને ગીર ગાયોની સંતતિને એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીની મદદથી જન્મેલી ગાયની કિંમત 2 લાખ રૂપિયા હશે. જે 50થી 60 લીટર દૂધ આપશે જેના કારણે બનાસકાંઠાના પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન કરતા થશે અને આર્થિકરીતે વધુ મજબૂત બનશે.