Site icon Revoi.in

કચ્છમાં હવે પાલીસની મંજુરી વિના ડ્રોનની ફોટોગ્રાફી કે વિડિયો માટે ડ્રોન ઉડાડી શકાશે નહીં

Social Share

ભુજ  :  જમ્મુના એરપોર્ટ નજીક તાજેતરમાં એરફોર્સના બેઝ કેમ્પ પર ડ્રોનની મદદથી આંતકવાદીઓ દ્વારા હુમલો થયો તેનાં પગલે દેશભરની પોલીસને સતર્ક કરી દેવાઇ છે. દરમિયાન કચ્છ સરહદી જિલ્લો હોવાથી આ બનાવ અંગે પોલીસે પણ ગંભીરતા દાખવી છે. જિલ્લા મથક ખાતે પોલીસે આજે વ્યાવસાયિક ફોટોગ્રાફરોને રૂબરૂ બોલાવી ડ્રોન ઉડાવવા બાબતે ખાસ સૂચનાઓ આપી હતી. કચ્છમાં હવે પોલીસની મંજુરી વિના ફોટોગ્રાફી માટે કે વિડિયો માટે ડ્રોન ઉડાવી શકાશે નહીં.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  કચ્છ સંવેદનશીલ જિલ્લો છે અને જમ્મુમાં ડ્રોનથી થયેલા હુમલાના બનાવને પગલે ડ્રોન ઉડાડવા પૂર્વે દરેકે લાગુ પડતા જે-તે પોલીસ મથકની મંજૂરી લેવી ફરજિયાત બનાવી દીધી છે. આ સંબંધે જિલ્લા મથક ભુજના એ-ડિવિઝન મથકે શહેરના તમામ ફોટોગ્રાફરોને રૂબરૂ બોલાવી ખાસ સૂચનાઓ અપાઇ હતી, જેમાં લગ્ન ઉપરાંત ધાર્મિક તથા રાજકીય કે સામાજિક પ્રસંગના આયોજકે ફોટો-વીડિયોગ્રાફી માટે ડ્રોન ઉડાડવા પૂર્વે લાગુ પડતા પોલીસ મથકની મંજૂરી લેવી પડશે અને મંજૂરી વિના ડ્રોન ઉડતાં જણાશે તો કાયદેસરની કડક કાર્યવાહી થશે તેવી જાણકારી અપાઇ હતી.

ભુજમાં જ અંદાજે 40 જેટલાં ડ્રોન છે. આ ઉપરાંત ગાંધીધામ, અંજાર, માંડવી, નખત્રાણા, રાપર સહિતના શહેરોમાંય ડ્રોન છે. વધુમાં, વ્યાવસાયિક ફોટોગ્રાફર સિવાય ઘણા લોકો પાસે શોખ ખાતર ડ્રોન વસાવાયાં છે. આવા લોકો પણ હાલની પરિસ્થિતિ મુજબ ડ્રોન ઉડાડવા બાબતે સંયમ રાખે તે જરૂરી છે અને તેઓ પણ મંજૂરી વિના ડ્રોન ઉડાડતા દેખાશે તો તેની સામે પણ કાયદાનું શત્ર ઉગામાશે. આમ, કચ્છમાં ડ્રોનની ઉડાન કાયદાના રડારમાં આવી ચૂકી છે.