Site icon Revoi.in

સિક્કિમમાં પૂરના કારણે અનેક વિસ્તારો સંપર્ક વિહોણા, તમામ મદદ પહોંચાડવાની PM મોદીએ આપી ખાતરી

Social Share

નવી દિલ્હીઃ સિક્કિમના ઉત્તરમાં કુદરતે તબાહી મચાવી. ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં અચાનક પૂર આવી ગયું. નદીના જળસ્તરમાં અનેક ફૂટનો વધારો થયો. વાદળ ફાટ્યા પછી પૂર આવવાને કારણે સેનાનાં 23 જવાન પણ ગૂમ થયા છે. જોકે તેમાંથી એક જવાનને બચાવી લેવાયો છે. પૂરને કારણે 22 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, સેનાનાં જવાનોની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સિક્કિમમાં આવેલા પૂરના પગલે પીએમ મોદીએ સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ તમાંગ સાથે વાતચીત કરીને ત્યાંની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી. તો કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિએ બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમને તમામ સંભવ મદદ કરવા માટેનું આશ્વાસન આપ્યું છે. ચુંગથાંગ બાંધની સુરંગમાં ફસાયેલા લોકો અને પર્યટકોને બહાર કાઢવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

સિક્કીમના લ્હોનક તળાવ ઉપર વાદળ ફાટતા અચાનક પૂર આવ્યું હતું. આ પાણીના પૂરમાં કેટલાક જવાનો ગુમ થયા હતા. આ ગુમ થયેલા જવાનોની શોધખોળ કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અચાનક વાતાવરણમાં પલટો આવીને વાદળ ફાટતા સમગ્ર વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યાં હતાં. પૂરની સ્થિતિ ઉભી થતાં તેની અસર લોકોના જનજીવન પર પડી છે. ડિફેન્સ પી.આર.ઓ.એ જણાવ્યું હતું કે, ચુંગથામ ડેમમાંથી પાણી છોડાતા નીચેના વિસ્તારમાં 15થી20 ફૂટની ઊંચાઇ સુધી જળસ્તર વધી ગયું હતું.