Site icon Revoi.in

ગુજરાતમાં JEE મેઈન એક્ઝામને લીધે ધો. 12ની શાળાકીય પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર

Social Share

અમદાવાદઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કેલેન્ડર પ્રમાણે ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 27મીથી 4 ફેબ્રુઆરીએ લેવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ જ દિવસો દરમિયાન જેઇઇની પ્રથમ સેશનની એક્ઝામ થવાની હોવાથી જે વિદ્યાર્થીઓ પ્રથમ સેશનમાં ઉપસ્થિત થવાના હોય તેમની શાળાકીય પરીક્ષા 6થી 8 ફેબ્રુઆરી દરમિયાન લેવા સૂચના આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે શૈક્ષણિક વાર્ષિક કેલેન્ડર જાહેર કરવામાં આવે છે. આ કેલેન્ડરમાં પ્રિલિમ એટલે કે શાળાકીય બીજી પરીક્ષા 27મી જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે યોજવાની સૂચના આપવામાં આવી હતી. બીજીબાજુ આ વિદ્યાર્થીઓ પૈકી જેઓ ઇજનેરી કે ટેકનિકલ કોલેજોમાં પ્રવેશ લેવા ઇચ્છતાં હોય તે વિદ્યાર્થીઓ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જેઇઇ-મેઇન પ્રથમ સેશનની પરીક્ષા 24મી જાન્યુઆરીથી લઇને 3 ફેબ્રુઆરી સુધી લેવાની જાહેરાત કરી છે. આમ, શાળાકીય પરીક્ષાઓ અને જેઇઇ પ્રથમ સેશનની પરીક્ષાઓના કેટલાક દિવસો એકસરખા થતાં વિદ્યાર્થીઓએ જેઇઇ મેઇન છોડવી પડે અથવા તો શાળાકીય પરીક્ષા છોડવી પડે તેવી સ્થિતિ ઊભી થઇ હતી. આથી જુદા જુદા વિદ્યાર્થી-વાલીઓની રજૂઆત બાદ હવે શિક્ષણ બોર્ડ દ્વારા એવી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે, જે વિદ્યાર્થીઓ જેઇઇ મેઇનની પરીક્ષા આપવાના હોય તેમની શાળાકીય દ્વિતીય પરીક્ષા આગામી તા. 6 ફેબ્રુઆરીથી 8મી ફેબ્રુઆરીની વચ્ચે લેવાની રહેશે. બોર્ડ દ્વારા તમામ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર મોકલીને સૂચના આપવામાં આવી છે કે, વિદ્યાર્થીઓને જેઇઇ મેઇનની પરીક્ષામાં કોઇ મુશ્કેલી ઊભી ન થાય તે માટે શાળાકીય પરીક્ષામાં અનુકુળતા પ્રમાણે ફેરફાર કરવાનો રહેશે. કોઇ સ્કૂલ આ માટે રજૂઆત કરે તો તેમના વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી તારીખ પ્રમાણે શાળાકીય પરીક્ષા લેવાની રહેશે. જોકે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દરમિયાન આગામી વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરી ઉપરાંત એપ્રિલ માસમાં બે તબક્કામાં જેઇઇ મેઇનની પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ બે પરીક્ષા પૈકી જે પરીક્ષાના માર્કસ વધારે હશે તેને માન્ય ગણવામાં આવશે.(file photo)