Site icon Revoi.in

ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટને લીધે એરપોર્ટથી મહાત્મા મંદિર સહિત રોડ-રસ્તાઓને સજાવાશે

Social Share

અમદાવાદઃ વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2024ને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. પાટનગર ગાંધીનગરમાં આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરાયું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આથી અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીનો રોડ પર તેમજ એસજી હાઈવે પર વૈશ્નોદેવીથી ગાંધીનગર જતા હાઈવે પર સજાવટ કરવામાં આવી રહી છે. વિદેશ જેવો નજારો ઊભો કરાશે. રોડને રિસરફેસ કરી દેવાયા છે. રોડના માઈલસ્ટોન, પિલ્લરને રંગરોગાન કરી દેવાયા છે. રોડ પર રંગબેરંગી રોશની પણ કરવામાં આવી છે. ઓવરબ્રિજને શણગારવામાં આવી રહ્યા છે.

ગાંધીનગરમાં વર્ષ 2019 બાદ પ્રથમ વખત વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરાયું છે. જેમાં દેશ વિદેશના મહાનુભાવો, વિવિધ ક્ષેત્રના તજજ્ઞો અને ઉદ્યોગ સાહસિકો હાજર રહેશે. આ દરમિયાન તંત્ર દ્વારા શહેરની કાયાપલટ કરી દેવામાં આ‌વી છે. અંદાજીત 80 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિભાગોના બજેટ થકી શહેરમાં વિકાસકાર્યો કરવામાં આ‌વી રહ્યાં છે. સેન્ટ્રલ વિસ્ટાથી લઇને એરપોર્ટ રોડ અને વૈષ્ણોદેવી સુધી કાયાપલટ કરવા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરાઇ રહી છે. વિદેશી મહેમાનોને આકર્ષવા માટે એરપોર્ટથી લઈને મહાત્મા મંદિર સુધીના તેમજ વાયબ્રન્ટના રૂટ પરના તમામ રોડ રસ્તાનું નવીનીકરણ કરી દેવામાં ‌આવ્યું છે. સિટી બ્યુટીફિકેશન અને લોંગ ટર્મ ડેવલપમેન્ટના કામો માટે મ્યુનિ.કોર્પોરેશન અને શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા)ને કુલ 70 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જ્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ મુખ્ય માર્ગોના રિનોવેશન સહિત રોશની અને અન્ય સમારકામનું થઈને અન્ય 10 કરોડ મળીને કુલ 80 કરોડના ખર્ચે શહેરને શણગારવામાં ‌આવી રહ્યું છે.

અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ગુડા) અને જીએમસીના સંયુક્ત ઉપક્રમે ભાઈજીપુરાથી ગિફ્ટસિટી તરફ જતાં સિગ્નેચર બ્રિજ સુધીના સ્ટેટ ઓફ આર્ટ રોડના કામો માટે 28 કરોડ રૂપિયાના ખર્ચે કામગીરી કરવામાં આવી છે. જે શહેરનો સૌથી પહોળો 80 મીટરનો માર્ગ છે. આ રોડ પર મ્યુનિ. દ્વારા પ્લાન્ટેશન અને લેન્ડ સ્કેપીંગ સહિતના કામો કરીને રોડના બ્યુટીફિકેશન માટે અલગ જ પ્રકારે ઓપ આપવામાં ‌આવ્યો છે. આ ઉપરાંત સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર રહેશે, જેની રોશની અને અન્ય સમારકામ અને પ્લાન્ટેશન સહિતના કામો માટે કરોડો રૂપિયા ખર્ચવામાં ‌આવી રહ્યાં છે. આ સાથે જ મુખ્ય માર્ગોની બાજુમાં ફુટપાથ, લેન્ડ સ્કેપિંગ, ૩ ઓવરબ્રિજ અને ૨ અંડરપાસનું થીમ બેઇઝ્ડ પેઇન્ટિંગ અને આર્ટ વર્ક સહિતના પાંચ જેટલા આંતરમાળખાકીય વિકાસ કામો માટે રૂ.35.50 કરોડનો ખર્ચે કરવામાં ‌આવ્યો છે.