દ્વારકા, 10 જાન્યુઆરી 2026: જગત મંદિર દ્વારકાના દર્શને આવતા પ્રવાસીઓ માટે એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. દ્વારકાના મકનપુર ગામ પાસેના દરિયાકિનારે ગઈકાલે મોડી સાંજે સ્નાન કરવા પડેલા રાજસ્થાનના ચાર યુવકો દરિયાના પાણીના પ્રવાહમાં ખેંચાવા લાગ્યા હતા. સ્થાનિકો અને વહીવટી તંત્રની સમયસૂચકતાને કારણે ત્રણ યુવકોને હેમખેમ બહાર કાઢી લેવાયા છે, જ્યારે એક યુવક હજુ પણ લાપતા હોવાથી તેના માટે શોધખોળ તેજ કરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, રાજસ્થાનથી મિત્રોનું એક ગ્રુપ દ્વારકાધીશના દર્શન કરવા માટે આવ્યું હતું. ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લીધા બાદ આ મિત્રો મકનપુર ગામના દરિયાકિનારે મોજ-મસ્તી કરવા અને ફરવા માટે ગયા હતા. મોડી સાંજે દરિયાના મોજાની મજા માણવા માટે ચાર મિત્રો પાણીમાં ઉતર્યા હતા. જોકે, દરિયાના તેજ પ્રવાહ અને ઊંડા પાણીનો અંદાજ ન આવતા ચારેય મિત્રો જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા અને ડૂબવા લાગ્યા હતા.
આ પણ વાંચોઃટ્રમ્પનું ઈરાનને અલ્ટીમેટમ: નિર્દોષો પર બળપ્રયોગ કર્યો તો ખેર નથી
યુવાનોને ડૂબતા જોઈ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ ત્રણ યુવાનોને દરિયાના મોજામાંથી હેમખેમ બહાર કાઢી બચાવી લીધા હતા. પરંતુ દુર્ભાગ્યવશ ચોથો યુવાન ઊંડા પાણીમાં વધુ અંદર ખેંચાઈ જતા તે ગૂમ થયો હતો.
આ ઘટનાની જાણ થતા જ દ્વારકા ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મોડી રાતથી જ લાપતા યુવાનની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા દરિયામાં તપાસ કરવામાં આવી રહી છે. પ્રવાસ દરમિયાન બનેલી આ ઘટનાને પગલે પ્રવાસીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
(Photo-File)

