મુંબઈ, 2 જૂન 2026: મુંબઈના કુખ્યાત આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર સલીમ ઇસ્માઇલ ડોલા અને તેના ગેરકાયદેસર સામ્રાજ્ય સામે પ્રવર્તન નિદેશાલય દ્વારા એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ તુર્કીથી ભારત પ્રત્યાર્પણ કરીને લાવવામાં આવ્યા બાદ, હવે સલીમ ડોલાના સમગ્ર ડ્રગ્સ અને મની લોન્ડરિંગ નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે એજન્સી એક્શન મોડમાં આવી ગઈ છે. EDની મુંબઈ ઝોનલ યુનિટ દ્વારા આજે વહેલી સવારથી જ મહારાષ્ટ્ર અને ગુજરાતના ચાર મોટા શહેરોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ એજન્સીની ટીમોએ મુંબઈ, સુરત, અંકલેશ્વર અને રાજકોટમાં આવેલા સલીમ ડોલાના સાગરીતો અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સાથે સંકળાયેલા લોકોના 20 થી વધુ ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સલીમ ઇસ્માઇલ ડોલા લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત ડ્રગ્સની હેરાફેરીનું મોટું રેકેટ ચલાવતો હતો. ડ્રગ્સના વેચાણમાંથી મળતા કરોડો રૂપિયાના કાળા નાણાંને વ્હાઇટ કરવા માટે તે મની લોન્ડરિંગ અને હવાલા ચેનલોનો ઉપયોગ કરતો હતો. ભારત સરકારના પ્રયાસો બાદ તેને તુર્કીથી ડિપોર્ટ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. ધરપકડ બાદ કરાયેલી પૂછપરછમાં સલીમ ડોલાના નેટવર્કના તાર ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારો જેવા કે અંકલેશ્વર અને સુરત-રાજકોટ જેવા મોટા શહેરો સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું.
EDને આશંકા છે કે ગુજરાતના અંકલેશ્વર જેવા કેમિકલ હબનો ઉપયોગ ડ્રગ્સના ઉત્પાદન અથવા પ્રોસેસિંગ માટે અને સુરત-મુંબઈ જેવા શહેરોનો ઉપયોગ હવાલા નેટવર્ક માટે કરવામાં આવતો હતો. આજની કાર્યવાહીમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો અને વાંધાજનક દસ્તાવેજો હાથ લાગવાની સંભાવના છે. આ મેગા રેડને પગલે ડ્રગ માફિયાઓ અને ગેરકાયદેસર હવાલા ઓપરેટરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ED આગામી સમયમાં આ કેસમાં કેટલાક સ્થાનિક સાગરીતોની ધરપકડ પણ કરી શકે છે.

