Site icon Revoi.in

હરિયાણા-રાજસ્થાનમાં મની લોન્ડરિંગ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પરિચીતો ઉપર EDના દરોડા

Social Share

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં હરિયાણા અને રાજસ્થાનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ તપાસના ભાગરૂપે બે રાજ્યોમાં લગભગ 12 સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પરિચીતોને નિશાન બનાવીને ઈડીને તપાસનો ધમધમાટ તેજ કરતા ખળભળાટ મચી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલ જેલવાસ ભોગવી રહ્યો છે. પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈની સામે કાર્યવાહી કરાઈ છે. દરમિયાન નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગેંગસ્ટર વિરુદ્ધ FIR નોંધી હતી અને ચાર્જશીટ દાખલ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ એફઆઈઆર અને ચાર્જશીટના આધારે કાર્યવાહી કરી હતી.

ગેંગસ્ટર બિશ્નોઈ ગેંગ પર ખાલિસ્તાની સંગઠનો સાથેની મિલીભગત અને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવાનો પણ આરોપ છે. એટલા માટે NIA પણ તેની સામે તપાસમાં વ્યસ્ત છે. હવે EDPMLA હેઠળ સુરેન્દ્ર ચીકુ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ મામલે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાનને ધમકી આપવા મામલે પણ બિશ્નોઈ ગેંગની સંડોવણી ખુલી છે. આ ઉપરાંત બિશ્નોઈ ગેંગ અને ગંભીર ગુનામાં સંડોવાયેલી છે. વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા ગેંગની સામે ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ લોરેન્સ બિશ્નોઈ હાલ જેલમાં બંધ છે પરંતુ તેની ગેંગ સક્રિયા હોવાનું જાણવા મળે છે.