Site icon Revoi.in

તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના નિવાસ પર EDના દરોડા

Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં પ્રવર્તમાન નિર્દેશાલયની ટીમ ફરી સક્રિય થઇ છે. જે તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના નિવાસ સ્થાને તપાસ કરી રહેલી ઇડીની ટીમ પર હુમલો થયો હતો, ત્યાં આજે ફરી એકવાર ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ વખતે EDના અધિકારીઓ સંપૂર્ણ તૈયારી સાથે પહોચ્યા હતા. તેમની સાથે CRPF, સુરક્ષા બળના જવાનો સહિત સ્થાનિક પોલીસ પણ રક્ષણ પૂરું પાડવા માટે જોડાઇ હતી. તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખનું નામ અનાજ કૌભાંડમાં સામે આવ્યું હતું, આ ઉપરાંત તેમની સામે હત્યાના આરોપસર પણ તપાસ કરવામાં આવી રહી છે.

અગાઉ જ્યારે ઇડીની ટીમ ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા માટે પહોંચી હતી તે સમયે 100 થી વધુ લોકોએ ઇડીના અધિકારીઓને ઘેરી લીધા હતા અને તેમના પર હુમલો કરી તેમના સાધનો ઝૂંટવી લીધા હતા. આ ઘટના બાદ સમગ્ર વિવાદ કોલકાતા હાઇકોર્ટ પહોંચ્યો હતો અને હાઇકોર્ટે અધિકારીઓને રક્ષણ આપવાનો પોલીસને આદેશ આપ્યો હતો. હુમલામાં ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા. જિલ્લા પોલીસ અને શેખના પરિવારના સભ્યોએ ED અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. શેખ હજુ ફરાર છે.

દરમિયાન, કેન્દ્રીય દળો સાથે બસીરહાટ જિલ્લા પોલીસ અને સ્થાનિક નજાત પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સંકુલની બહાર અને બિલ્ડિંગના મુખ્ય દરવાજા તરફ જતા રસ્તાની સુરક્ષા કરતા જોવા મળ્યા હતા. અગાઉ, ED અધિકારીઓને સ્થાનિક પોલીસ દ્વારા તૃણમૂલ કોંગ્રેસના નેતાના નિવાસસ્થાનમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા, ત્યારબાદ પોલીસને ત્યાં “સર્ચ ઓપરેશન ચલાવવાનો આદેશ” બતાવવામાં આવ્યો હતો.