નવી દિલ્હી, 26 જાન્યુઆરી, 2026: UGC controversy યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના નવા નિયમ ઉપર ચાલી રહેલા વિરોધ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રથમ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોઈની પણ સાથે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં અને કોઈ પણ કાયદાનો દુરુપયોગ કરી શકશે નહીં.
ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નોનો જવાબ આપતા મંગળવારે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું, ‘હું ખૂબ જ નમ્રતાપૂર્વક આશ્વાસન આપવા માંગુ છું કે કોઈનું પણ ઉત્પીડન થવા દેવામાં આવશે નહીં. ડિસ્ક્રિમિનેશન (ભેદભાવ) ના નામે કોઈને પણ કાયદાનો દુરુપયોગ કરવાનો અધિકાર રહેશે નહીં.’
તેમણે એ વાત પર ભાર મૂક્યો કે યુજીસી હોય, ભારત સરકાર હોય કે રાજ્ય સરકારો હોય, કાયદાનું પાલન નિષ્પક્ષતાથી થાય તે સૌની સામૂહિક જવાબદારી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે યુજીસીના નવા નિયમ દ્વારા જે પણ વ્યવસ્થા કરવામાં આવી છે તે સંપૂર્ણપણે ભારતીય બંધારણના માળખાની અંદર જ છે.
આ પણ વાંચોઃ UGCના શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાના જાહેરનામા ઉપર વિવાદઃ શું છે હકીકત?
સુપ્રીમ કોર્ટની દેખરેખ રહેશે
વિવાદના મુખ્ય મુદ્દા એટલે કે નિર્દોષ વિદ્યાર્થીઓ ફસાઈ જવાની આશંકા પર શિક્ષણ મંત્રીએ કહ્યું કે આ સમગ્ર પ્રક્રિયા ન્યાયતંત્રના દાયરામાં છે. તેમણે કહ્યું, ‘આ વિષય સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની વ્યવસ્થા છે. હું દરેકને આશ્વસ્ત કરવા માંગુ છું કે કોઈની પણ ઉપર અત્યાચાર કે ભેદભાવ કરવામાં આવશે નહીં.’
વાસ્તવમાં, UGC એ તાજેતરમાં નવા નિયમો બનાવ્યા છે – ‘ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવાના નિયમો, 2026’, જેથી યુનિવર્સિટી અને કોલેજો જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ફરિયાદ નિવારણ માટે એક સંરચિત માળખું (Structured Framework) બનાવી શકાય અને વંચિત જૂથોને ટેકો આપી શકાય.

