કોલકાતા, 16 માર્ચ 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ ભારતીય ચૂંટણી પંચ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. બંગાળમાં હિંસા મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી યોજવાના નિર્ધાર સાથે પંચે રાજ્યના વહીવટી અને પોલીસ તંત્રમાં મોટો ઉલટફેર કર્યો છે. મુખ્ય સચિવ અને ગૃહ સચિવની બદલી કર્યા બાદ હવે પંચે રાજ્યના 4 ઉચ્ચ પોલીસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવાના આદેશ આપ્યા છે.
ચૂંટણી પંચના નિર્દેશ મુજબ, કોલકાતાના પોલીસ કમિશનર તરીકે અજયકુમાર નંદ, ડીજીપી તરીકે સિદ્ધનાથ ગુપ્તા, જેલ સુધારણા સેવાઓના મહાનિદેશક તરીકે નટરાજન રમેશ બાબુ અને ડેપ્યુટી ડીજીપી (કાયદો અને વ્યવસ્થા) તરીકે અજય મુકુંદ રાનાડેની નિમણુંક કરવામાં આવી છે. પંચે કડક સૂચના આપી છે કે જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે, તેમને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ ચૂંટણી સંબંધિત કામગીરીમાં સામેલ કરવા નહીં. આ તમામ અધિકારીઓએ આજે પોતાનો રિપોર્ટ સોંપવાનો રહેશે.
પોલીસ અધિકારીઓ પહેલા પંચે મમતા બેનર્જી સરકારના બે સૌથી શક્તિશાળી ગણાતા અધિકારીઓ પર તરાપ મારી હતી. 1993 બેચના આઈએએસ અધિકારી દુષ્યંત નારિયાલાને રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે નંદિની ચક્રવર્તીને હટાવી દેવાયા છે. તેવી જ રીતે, ગૃહ સચિવ જગદીશ પ્રસાદ મીણાના સ્થાને 1997 બેચના આઈએએસ અધિકારી સંઘમિત્રા ઘોષને ગૃહ અને પહાડી બાબતોના અગ્ર સચિવ બનાવવામાં આવ્યા છે.
ચૂંટણી પંચના આ કડક વલણ સામે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) એ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ટીએમસી સાંસદ સાગરિકા ઘોષે જણાવ્યું હતું કે, “મધરાતે 4 વાગ્યે આ રીતે બદલીઓ કરવી તે બિલકુલ સ્વીકાર્ય નથી. ચૂંટાયેલી સરકારને નબળી પાડવા માટે પંચ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યું છે.” આ મુદ્દે વિરોધ નોંધાવતા ડેરેક ઓ’બ્રાયનની આગેવાનીમાં TMC ના સાંસદોએ આજે આખા દિવસ માટે સંસદમાંથી વોકઆઉટ કર્યો હતો.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ગઈકાલે જ પત્રકાર પરિષદમાં ખાતરી આપી હતી કે પશ્ચિમ બંગાળમાં આ વખતે ચૂંટણી હિંસામુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાશે. આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે જ પંચે સંવેદનશીલ ગણાતા હોદ્દાઓ પરથી જૂના અધિકારીઓને હટાવીને નવી વ્યવસ્થા ગોઠવી છે.

