Site icon Revoi.in

ચૂંટણીના ખર્ચની માહિતી ન મોકલનારા ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ કરાશે, ચૂંટણી પંચ

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કની 89 બેઠકો પર આજે એકંદરે શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. અને બીજા તબક્કની ચૂંટણી તા. 5મી ડિસેમ્બરે યોજાશે. ચૂંટણી પંચ દ્વારા ઉમેદવોરો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા નિયત કરવામાં આવી હતી. અને રોજબરોજ ઉમેદવારે પોતાના ખર્ચની વિગતો પંચને આપવાની હોય છે. છતાં ઘણા ઉમેદવારો ખર્ચની વિગતો આપવામાં આળસ દાખવતા હોય છે. ત્યારે ચૂંટણી પંચે તાકિદ કરી છે. કે, ઉમેદવારો ચૂંટણી ખર્ચની માહિતી નહીં મોકલે તો તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો પાસેથી ખર્ચનો હિસાબ માંગવામાં આવ્યો છે. ત્યારે જે ઉમેદવારો દ્વારા હિસાબ રજુ કરવામાં આવ્યા નથી. તેવા ઉમેદવારોને નોટીસ ફટકારવામાં આવી છે. આથી નોટીસ આપવા છતાં ખર્ચનો હિસાબ રજુ નહી કરનારા ઉમેદવારોની સામે પોલીસ ફરીયાદ કરાશે. ઉપરાંત ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારોને આપેલી મંજુરી રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા ચાર તબક્કામાં ઉમેદવારો પાસેથી ચૂંટણીના ખર્ચનો હિસાબ માંગવામાં આવ્યો છે. જેમાં બે તબક્કામાં ચૂંટણીનો ખર્ચ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા રજુ કરવામાં આવ્યો છે. ત્યારે ઘણાબધા ઉમેદવારો એવા છે. કે, તેમણે ચૂંટણી ખર્ચનો હિસાબ રજુ કર્યો નથી. આથી ચુંટણી પંચ દ્વારા ખર્ચ રજુ નહી કરનારા ઉમેદવારોને નોટીસ ફટકારવામાં આવશે. ત્યારબાદ પણ હિસાબ રજુ કરવામાં નહીં આવે તો ઉમેદવાર સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવશે. આ ઉપરાંત ઉમેદવારને ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે વાહનોની આપેલી મંજુરીઓ પણ રદ કરવામાં આવશે.

ચૂંટણી પંચના સૂત્રોએ ઉમેર્યું હતું કે,  નોટીસ આપવા છતાં ઉમેદવાર કે એજન્ટ દ્વારા કોઇ જ જવાબ આપવામાં આવશે નહી. તો તેવા ઉમેદવારને આપેલી નોટીસમાં દર્શાવેલી ખર્ચની રકમનો સ્વીકાર કર્યો હોવાનું માનીને તેને ચુંટણી ખર્ચમાં ઉમેરી દેવામાં આવશે. વધુમાં ઉમેદવારને આપેલી નોટીસમાં દર્શાવેલી રકમ સામે ઉમેદવારને વાંધો હોય તો ઉમેદવારે અસંમતિ માટેના કારણો દર્શાવતો જવાબ આપવાનો રહેશે.