Site icon Revoi.in

રોજગાર દિવસ: એસ.ટી.નાં 2250 ડ્રાઇવરોને તા.6ઠ્ઠીએ ભરતીનાં ઓર્ડરો અપાશે

Social Share

અમદાવાદઃ  રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનકાળને પાંચ વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી થઇ રહી છે. ત્યારે એસ.ટી. વિભાગ દ્વારા પણ ચાલુ સપ્તાહ દરમિયાન ડ્રાઇવરોની ભરતી અને નવા બસ સ્ટેન્ડોનું લોકાર્પણ તેમજ નવી બસોનું પણ લોકાર્પણનાં કાર્યક્રમો યોજાશે. તેમ એસ.ટી. વિભાગનાં સુત્રોએ જણાવ્યુ હતું.

સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે,  રાજયનાં એસ.ટી. વિભાગનાં રાજકોટ સહિતના જુદા જુદા ડિવિઝનોમાં 2250 ડ્રાઇવરોની ભરતી કરવા માટે તાજેતરમાં ડ્રાઇવીંગ ટેસ્ટ લેવામાં આવેલ હતો. જેમાં પાસ થયેલા દરેક ઉમેદવારોનાં દસ્તાવેજો ચકાસવા રાજકોટ સહિત રાજયભરનાં દરેક 16 ડિવીઝનોનાં વિભાગીય નિયામકોને વડી કચેરીએ સુચના આપી છે. આ ચસકાણી બાદ ડ્રાઇવરોની ડિવીઝન વાઇઝ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે અને આગામી તા. 6ના રોજ ઉજવવામાં આવનારા રોજગાર દિવસની ઉજવણીમાં એસ.ટી.નાં નવા ભરતી થયેલા દરેક ડ્રાઇવરોને ભરતીનાં ઓર્ડર અપાશે.

આ ઉપરાંત આગામી તા.7નાં રોજ રાજકોટ એસ.ટી. વિભાગ હેઠળનાં મુળી અને વિંછીયામાં નવા બનેલા બસ સ્ટેન્ડોનું લોકાર્પણ પણ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે વિંછીયામાં રૂા.1.85 કરોડનાં ખર્ચે પાંચ પ્લેટફોર્મનું અને મુળીમાં રૂા.2.17 કરોડના ખર્ચે પાંચ પ્લેટફોર્મનું નવું બસ સ્ટેન્ડ બનાવાયું છે.દરમ્યાન તા.7ના રોજ 11 નવી સુપર ડિલકસ પ્રકારની બસોનું પણ લોકાર્પણ થશે. જેમાં રાજકોટને 5, સુરેન્દ્રનગરને 3 અને મોરબીને 3 નવી બસો અપાશે. આ તમામ નવી બસો એક બે દિવસમાં રાજકોટ આવી પહોંચનાર છે.