દેહરાદૂન, 26 જાન્યુઆરી 2026: ઉત્તરાખંડના પ્રસિદ્ધ ચારધામ પૈકીના એક એવા ગંગોત્રી ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિની બેઠકમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ પ્રતિબંધ માત્ર ગંગોત્રી મંદિર પરિસર પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ માતા ગંગાના શીતકાલીન પ્રવાસ સ્થળ એવા ‘મુખબા’ ગામમાં પણ લાગુ કરવામાં આવશે.
શ્રી ગંગોત્રી મંદિર સમિતિના અધ્યક્ષ સુરેશ સેમવાલે જણાવ્યું હતું કે, “ધાર્મિક પરંપરાઓ અને આસ્થાના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને સમિતિએ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે. મંદિર ક્ષેત્રની પવિત્રતા અને સનાતન પરંપરાગત વ્યવસ્થાને અકબંધ રાખવા માટે આ પગલું ભરવું અનિવાર્ય હતું.” સમિતિએ વધુમાં જણાવ્યું કે, આ નિયમના ચુસ્ત પાલન માટે સ્થાનિક સ્તરે જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
ગંગોત્રી સમિતિના આ નિર્ણય બાદ રાજ્યના અન્ય પ્રમુખ ધામોમાં પણ ચર્ચા તેજ બની છે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ સંકેત આપ્યા છે કે, આગામી બોર્ડ મીટિંગમાં આ પ્રકારનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે છે. તેમણે ઉમેર્યું કે, સમિતિના કાર્યક્ષેત્રમાં આવતા અન્ય મંદિરોમાં પણ પ્રવેશ નીતિ નક્કી કરવા અંગે ગંભીર વિચારણા ચાલી રહી છે, જોકે અંતિમ નિર્ણય બોર્ડની બેઠક બાદ લેવાશે.
ઉત્તરાખંડમાં ધાર્મિક સ્થળોએ પ્રવેશને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. હરિદ્વારની હર કી પૌડી સહિતના સ્થળોએ અગાઉ પણ બિન-હિન્દુઓના પ્રવેશ પર રોક લગાવવાની માંગ ઉઠી છે. આ માંગના સમર્થનમાં હરિદ્વાર નગર નિગમના વર્ષ 1916ના ‘બાયલોઝ’ (નિયમો)નો હવાલો આપવામાં આવે છે, જે બ્રિટિશ કાળથી અમલમાં હોવાનું કહેવાય છે. અનેક હિન્દુ સંગઠનો અને ગંગા સભા સાથે જોડાયેલા લોકો ધાર્મિક પરંપરાઓની સુરક્ષા માટે આ પ્રતિબંધની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃપ્રજાસત્તાક દિવસઃ સેના પ્રમુખે શહીદોના બલિદાનને શ્રદ્ધાંજલિ પાઠવી

