Site icon Revoi.in

EPFOએ 2023-24 માટે વ્યાજ દર 8.25 ટકા નક્કી કર્યાં

Social Share

નવી દિલ્હીઃ દેશની રિટાયરમેન્ટ ફંડ બોડી EPFOએ શનિવારે વર્ષ 2023-24 માટે વ્યાજ દર નક્કી કર્યા છે. આ વ્યાજ દર 8.25 ટકા હશે અને તે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. માર્ચ 2023માં, સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ ફંડમાં 2022-23 માટે વ્યાજ દર 8.15 ટકા નક્કી કર્યો હતો. જ્યારે 2021-22 માટે તે 8.10 ટકા હતો. માર્ચ 2022 માં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને 2021-22 માટે વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કર્યો હતો, જે છેલ્લા ચાર દાયકા કરતાં ઓછો છે. જે 1977-78 પછી સૌથી નીચો હતો. આ નિર્ણયથી ઈપીએફઓ ધારકને ફાયદો થશે. 

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT), EPFO ​​માં નિર્ણય લેતી સંસ્થા, શનિવારે યોજાયેલી તેની બેઠકમાં, 2023-24માં કર્મચારી ભવિષ્ય નિધિ માટે વ્યાજ દર વધારીને 8.25 ટકા કરવાનો નિર્ણય લીધો છે. સીબીટીએ માર્ચ 2021માં EPF પર વ્યાજ દર 8.5 ટકા નક્કી કર્યો હતો. જાન્યુઆરીમાં, EPFOએ જન્મતારીખ માટે સ્વીકાર્ય દસ્તાવેજ તરીકે આધાર કાર્ડ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કર્મચારી ભવિષ્ય નિધિ એ વીસ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓમાં પગારદાર કર્મચારીઓ માટે ફરજિયાત યોગદાન છે. આ હેઠળ, કર્મચારીના પગારના 12 ટકા માસિક ધોરણે EPF ખાતામાં જમા થાય છે અને તે જ યોગદાન એમ્પ્લોયર દ્વારા કરવામાં આવે છે. એમ્પ્લોયરના હિસ્સામાંથી 3.67 ટકા EPF ખાતામાં જમા થાય છે અને બાકીના 8.33 ટકા કર્મચારી પેન્શન યોજના (EPS)માં જમા થાય છે.

Exit mobile version