Site icon Revoi.in

ઈસ્કોનબ્રિજ દુર્ઘટનાઃ તથ્ય પટેલ સામે સઅપહાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરાયો, છ વ્યક્તિઓની અટકાયત

Social Share

અમદાવાદઃ શહેરના છેવાડે ઈસ્કોનબ્રિજ ઉપર પૂરઝડપે પસાર થતી મોટરકારે અનેક વ્યક્તિઓને અડફેટે લીધા હતા. આ દૂર્ઘટનામાં નવ વ્યક્તિઓના કરૂણ મોત થયા હતા. આ ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે અને જવાબદારો સામે કાર્યવાહીની માંગણી કરી રહ્યાં છે. બીજી તરફ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ કેસમાં પોલીસે કાર ચાલક તથ્ય પટેલની અટકાયત કરી છે. આ ઉપરાંત તેની સાથે કારમાં સવાર અન્ય પાંચેક વ્યક્તિઓની પણ અટકાયત કરી હતી. પોલીસે તથ્ય પટેલની સામે સઅપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈસ્કોનબ્રિજ દુર્ઘટનામાં પોલીસે તબીબોની સલાહ બાદ આરોપી તથ્ય પટેલની અટકાયત કરી હતી. તેમજ પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. પોલીસે તથ્ય સહિત છ લોકોની પૂછપરછ આરંભી છે. એટલું જ નહીં ઘટના સ્થળ ઉપર લોકો સાથે દાદાગીરી કરનારા તથ્યના પિતા પ્રગ્નેશ પટેલની પણ પોલીસે પૂછપરછ આરંભી હોવાનું જાણવા મળે છે.

દરમિયાન ઈસ્કોન બ્રિજે ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃતકોના પરિવારનોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાંત્વાના પાઠવી હતી. તેમજ આરોપી સામે આકરી કાર્યવાહીનો નિર્દેશ કર્યો હતો. એટલું જ નહીં ઘટના સ્થળ પર દોડી જઈને સામાન્ય નાગરિકો સાથે દાદાગીરી કરનાર કાર ચાલકના પિતા સામે પણ કાર્યવાહીના નિર્દેશ કરવામાં આવ્યાં છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઈસ્કોનબ્રિજ ઉપર કારના અકસ્માતની ઘટના સર્જાતા પોલીસ કર્મચારી અને હોમગાર્ડના જવાન સ્થળ પર દોડી ગયા હતા. દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થયાં હતા. આ દરમિયાન પૂર ઝડપે એક મોટરકાર આવી હતી અને બંને પોલીસ કર્મચારીઓ સહિત અનેક લોકોને અડફેટે લીધા હતા. કાર ચાલક તથ્ય પટેલની હાલ સારવાર ચાલી રહી છે, તબીબની સુચના બાદ આરોપીની ધરપકડ કરવામાં આવશે. સમગ્ર કેસની તપાસ ઉપર પાંચ પીઆઈ, 3 ડીસીપી અને પોલીસ કમિશનર મોનિટરિંગ કરી રહ્યાં છે.