Site icon Revoi.in

બનાસકાંઠાની માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની ભરતી બાદ પણ હજુ 51 જગ્યાઓ ખાલી

Social Share

પાલનપુરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને છૂટા કર્યા બાદ 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીનો બીજો તબક્કો પૂર્ણ કરાયો હતો. જિલ્લાની અનુદાન મેળવતી શાળાઓમાં બીજુ સત્ર પુરુ થવાની નજીક અને બોર્ડની પરીક્ષા પણ નજીક હોવા છતાં શિક્ષકોની ઘટ દૂર થઇ નથી. માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયકની ભરતીમા 353 જગ્યાઓ સામે પ્રથમ તબક્કામા 241 અને બીજા તબક્કામા 61 જ્ઞાન સહાયકોની ભરતી કરાયા બાદ હજુપણ 51 જગ્યા ખાલી છે.

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને છૂટા કર્યા બાદ કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જો કે જ્ઞાન સહાયકોની ભરતી સામે વિરોધ પણ ઊઠ્યો છે. ટાટ અને ટેટ પાસ ઉમેદવારોએ સરકાર સામે આક્રોશ સાથે જે તે વિસ્તારોમાં આવેદનપત્ર આપી કરાર આધારીત જ્ઞાન સહાયકોની ભરતી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. જ્યારે 23 જાન્યુઆરીના રોજ પ્રવાસી શિક્ષકોની મુદત પૂરી થતાં તમામને છૂટા કરાયા અને શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક વિભાગમાં બીજા તબક્કાના જ્ઞાન સહાયકોની ભરતી શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામા અત્યારે ધોરણ 9-10 માં બીજી ક્સોટી અને પ્રિલીમરી પરીક્ષા ચાલી રહી છે. જિલ્લામાં બીજા તબક્કાની જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લામાં કુલ 353 જગ્યાઓ માટે જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કામાં 353 જગ્યાઓ સામે 241 જગ્યાઓ ભરાઈ હતી. જ્યારે 112 જગ્યાઓ ખાલી રહેતા બીજો તબક્કો ચાલુ કરવામાં આવ્યો હતો. પરંતુ બીજા તબક્કામાં પણ 61 જ જગ્યાઓ ભરાતા બીજા તબક્કા પછી પણ હજુ જિલ્લામાં 51 જગ્યાઓ ખાલી પડી છે. (File photo)