Site icon Revoi.in

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત પહેલા જ સરકારે હોમગાર્ડ જવાનોના વેતનમાં કર્યો વધારો

Social Share

ગાંધીનગર:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત પહેલા જ ગુજરાત સરકારે હોમગાર્ડ અને GRD જવાનોના દૈનિક ભથ્થામાં વધારો કરીને તેમને રાજી કરી દીધા છે. હોમગાર્ડના જવાનોને હાલમાં પ્રતિદિન 300નું વેતન આપવામાં આવે છે, તેમાં વધારો કરીને હવે રૂપિયા 450નું વેતન આપવામાં આવશે. આમ પ્રતિદિન વેતનમાં રૂપિયા 150નો વધારો કર્યો છે. આ ઉપરાંત જીઆરડી જવાનોને હાલ પ્રતિદિન 200નું વેતન આપવામાં આવે છે, તેમને હવે પ્રતિદિન 300નું વેતન મળશે. આમ તેમના વેતનમાં પણ પ્રતિદિન 100નો વધોરો કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં હોમગાર્ડ અને GRD ના જવાનોને રાજ્ય સરકારે ચૂંટણી પહેલા ભેટ આપી છે. હોમગાર્ડના જવાનોને 300ના બદલે પ્રતિદિન મળશે રૂ. 450 વેતન અને GRD જવાનોને 200 ના બદલે પ્રતિદિન 300 રૂ. વેતન મળશે. 1 નવેમ્બર 2022થી આ વધારો ગણાશે. હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના પગાર વધારાથી સરકારી તિજોરી પર 195 કરોડ રૂપિયાનો બોજો પડશે.

ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં હોમ ગાર્ડનો સેવા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. જેમાં હોમ ગાર્ડ અને GRD જવાનોના ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવેથી હોમ ગાર્ડનાં સભ્યને પ્રતિદિન 300 રૂપિયાને બદલે 450 રૂપિયા ચૂકવવામાં આવશે. જ્યારે GRD જવાનોને 200 રૂપિયાને બદલે 300 રૂપિયા પ્રતિદિન મળશે. 150 અને 100 રૂપિયાની ટકાવારીની ગણતરી કરીએ તો સરકાર પર દર વર્ષે 195 કરોડનો વધારો બોજ પડશે.

હર્ષ સંઘવીએ  વધુ જણાવ્યું છે કે, 1 નવેમ્બર 2022 થી માનદ વેતનમાં કરાયેલો સુધારો લાગુ પડશે. હોમ ગાર્ડ અને GRD માટે વધારાનો ખર્ચ કરવાનો તાત્કાલિક નિર્ણય એટલે લીધો કેમકે તમે ગુજરાતની સેવામાં કોઈ કસર છોડી નથી. છેલ્લા 1 વર્ષમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે 5,292 પુરુષ અને 361 મહિલા સહિત  5,653 માનદ હોમગાર્ડ સભ્યોની નિમણૂંકો કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે, આજે કુલ ફોર્સ 40 હજારનો છે, છેલ્લા એક વર્ષમાં 14,107 માનદ સભ્યોની નિમણુંક કરાઇ છે. સરકારે આ વર્ષે અંદાજે 750 કરોડ રૂપિયાનો પોલીસના અલગ અલગ સંવર્ગના કર્મચારીઓ માટે વધારો કર્યો છે.  ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તે અગાઉ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો હતો.