Site icon Revoi.in

તનથી હારો તો ભલે હારો, મનથી ક્યારેય ન હાર માનો, આ રહ્યું તેનું પ્રેરણાદાયક ઉદાહરણ

Social Share

રાજકોટ : થેલિસિમિયા રોગ વિશે આપણે બધાએ સાભળ્યું જ છે અને જાણીએ છે કે, આ રોગનો ઈલાજ પણ એટલો જ ગંભીર અને ખર્ચાળ પણ છે. રાજકોટના ડૉ. રવિ ધાનાણીને જન્મજાત આ બીમારી છે. દર 10થી 15 દિવસે તેમને લોહી ચઢાવવું પડે છે, પરંતુ નાનપણથી અત્યાર સુધીમાં તેમણે હિંમતભેર આ રોગનો સામનો કરીને આગળ વધ્યા છે અને ન માત્ર પોતાના માટે પરંતુ શહેરની જુદી જુદી સંસ્થાઓ સાથે મળીને થેલિસિમિયા પીડિત વ્યક્તિ માટે મદદરૂપ કામગીરી કરી છે.

લોકોમાં જાગૃતિ આવે તેવા કાર્યો 15 વર્ષથી કરી રહ્યા છે. અને તેથી જ રાજકોટના થેલિસિમિયાગ્રસ્ત સૌથી મોટી ઉંમરના વ્યક્તિ ડૉ. ધાનાણીને કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ હેઠળના દિવ્યાંગજન કલ્યાણ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ નિમિત્તે વિકલાંગ કલ્યાણ ક્ષેત્રે સારી કામગીરી કરનાર દિવ્યાંગ વ્યક્તિઓ તરીકે ઉપરાષ્ટ્રપતિના હસ્તે આગામી 3 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં નેશનલ એવોર્ડ અપાશે. ડૉ.ધાનાણી પોતે થેલિસિમિયાગ્રસ્ત હતા અને તેમણે આ જ રોગ વિશે પીએચડી કર્યું છે.

ડૉ. રવિ ધાનાણીએ કહ્યું હતું કે, થેલિસિમિયાના દર્દીઓનું આયુષ્ય 20થી 25 વર્ષ સુધીનું હોય છે. રાજકોટમાં આશરે 600 દર્દી થેલિસિમિયાની સારવાર લઇ રહ્યા છે. મારી ઉંમર 38 વર્ષ છે અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે જીવન જીવી રહ્યો છું.‘થેલિસિમિયા મેજર દર્દીઓનાં માતાપિતાને થતી સમસ્યાઓ’ વિષય પર મેં પી.એચ.ડી. શરૂ કર્યું. મેં 200 થેલેસેમિક પરિવારોની મુલાકાત લીધી અને તેમની નાનામાં નાની સમસ્યાઓ વિશે જાણ થઇ.

આ અભ્યાસમાં દર્દીઓ અને તેમના પરિવારોની શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક અને સારવાર સંબંધિત સમસ્યાઓથી વાકેફ થયો. સૌરાષ્ટ્ર આશરે 4 થી 5 હજાર થેલિસિમિયાના દર્દીઓ હતા તેઓને યોગ્ય સારવાર મળતી ન હતી. મારા ડોક્ટરેટ અભ્યાસના સમય દરમિયાન મારું જીવન બદલાઈ ગયું હતું અને મેં થેલિસિમિયાના દર્દીઓને મારા છેલ્લા શ્વાસ સુધી મદદ કરવાનું નક્કી કર્યું.

વર્ષ 2009 થેલિસિમિયા ક્ષેત્રમાં વધુને વધુ કામ કરવા માટે હું વિવેકાનંદ યૂથ ક્લબનો સભ્ય બન્યો.હવે મારા જીવનનો એકમાત્ર ઉદ્દેશ થેલિસિમિયાના દર્દીઓ માટે જીવવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016મા થેલિસિમિયા બાળકોનો દિવ્યાંગ કેટેગરીમાં સમાવેશ કરાયો છે. 2015 સુધીમાં થેલિસિમિયા મુક્ત સમાજ અને થેલિસિમિયા દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે એ જ મારા જીવનનો ધ્યેય છે.