Site icon Revoi.in

વૈશ્વિક બજારમાં ક્રૂડ સસ્તું થવા છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ તાત્કાલિક નહીં ઘટે: કેન્દ્રીય મંત્રી

Social Share

નવી દિલ્હી, 18 જૂન 2026: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં થઈ રહેલા ઘટાડા વચ્ચે સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત મળવાની આશાઓ પર કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ ગુરુવારે એક નિવેદન આપ્યું છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવ ઘટવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના દામમાં તાત્કાલિક કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. પશ્ચિમ એશિયાના સંકટ અને વહીવટી અવરોધોને કારણે દેશમાં ઇંધણના ભાવ સામાન્ય થવામાં હજુ થોડો સમય લાગશે.

પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્તરે ઇંધણની કિંમતો માત્ર આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક પર આધારિત નથી હોતી, પરંતુ તેમાં લોજિસ્ટિક્સ અને બજારના અન્ય ઘણા પરિબળો પણ મહત્વનો ભાગ ભજવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ સસ્તું થયું હોવા છતાં કિંમતો તાત્કાલિક ઘટાડી શકાય તેમ નથી, કારણ કે આ સસ્તું કાચું તેલ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની સામુદ્રધુની) ના માર્ગે ભારત લાવવામાં આવી રહ્યું છે, જ્યાં હાલમાં દરિયાઈ જહાજોનો ભારે ટ્રાફિક હોવાથી માલ પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે. આ ઓછા દરે ખરીદાયેલું તેલ ભારત પહોંચશે અને રિફાઇન થશે તે પ્રક્રિયામાં સમય લાગવો સ્વાભાવિક છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ચાલુ વર્ષની શરૂઆતમાં પશ્ચિમ એશિયામાં ફાટી નીકળેલા સંઘર્ષને કારણે વૈશ્વિક એનર્જી માર્કેટમાં ભારે ઉતાર-ચઢાવ આવ્યો હતો, જેની સીધી અસર દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) પર પડી હતી. સરકારે સામાન્ય ગ્રાહકોને મોંઘવારીના આકરા આંચકાથી બચાવવા માટે વધેલી કિંમતોનો મોટો બોજ પોતાની પર લીધો હતો. આના કારણે સરકાર અને ઓઇલ કંપનીઓને આશરે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનું મોટું નુકસાન અંકાઈ ચૂક્યું છે. આ આર્થિક કટોકટી દરમિયાન દેશના કોઈ પણ રાજ્યે ઇંધણ પરની વેટ કે અન્ય ડ્યુટી ઘટાડીને પોતાની આવક ઓછી કરી નથી. આ સંજોગોમાં કેન્દ્ર સરકારને ચલાવવા અને ઓઇલ કંપનીઓનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ સંતુલન જાળવવું જરૂરી છે.

બીજી તરફ, ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નરમ વલણ જોવા મળ્યું હતું. વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 1.84 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ આશરે 78 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું. આ જ પ્રમાણે, અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ ક્રૂડના ભાવમાં પણ 2 ટકાનો ઘટાડો નોંધાતા તે ગબડીને બેરલ દીઠ આશરે 75 ડોલરની સપાટીએ આવી ગયું હતું. જો કે, આ આંતરરાષ્ટ્રીય ઘટાડા છતાં ભારતીય ગ્રાહકોએ સસ્તા પેટ્રોલ-ડીઝલ માટે હજુ થોડી પ્રતીક્ષા કરવી પડશે.

Exit mobile version