Site icon Revoi.in

દુનિયામાં દરેક દેશે વૈશ્વિક આબોહવાનાં સંરક્ષણ માટે અંગત સ્વાર્થોથી પર થઈને વિચારવું જોઈએઃ પીએમ મોદી

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે આયોજિત એક બેઠકમાં વીડિયો સંદેશ આપ્યો હતો અને સંબોધન કર્યું હતું. આ બેઠકને સંબોધન કરતાં પીએમ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર દુનિયામાં દરેક દેશને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. ચાલુ વર્ષના પર્યાવરણ દિવસની થીમ – સિંગલ-યુઝ પ્લાસ્ટિકની સમસ્યામાંથી મુક્તિ મેળવવાનું અભિયાન – પર ભાર મૂકીને પીએમએ ખુશી વ્યક્ત કરી હતી કે, છેલ્લાં 4થી 5 વર્ષથી ભારત આ દિશામાં અવિરતપણે કાર્યરત છે. નરેન્દ્ર મોદીએ જાણકારી આપી હતી કે, ભારતે વર્ષ 2018માં સિંગલ-યુઝ પ્લાસ્ટિકની સમસ્યામાંથી મુક્તિ મેળવવા બે સ્તરે કામ કરવાની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “એક તરફ, અમે દેશમાંથી સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે, તો બીજી તરફ પ્લાસ્ટિકના કચરા પર પ્રોસેસિંગ કરવાનું કે તેનો નાશ કરવાની પ્રક્રિયા ફરજિયાત બનાવી દીધું છે.” નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ કારણે ભારતમાં પ્લાસ્ટિકના પેકેજિંગના આશરે 30 લાખ ટનનું ફરજિયાત રિસાયકલિંગ થઈ રહ્યું છે, જે ભારતમાં દર વર્ષે પેદા થતા પ્લાસ્ટિકના કચરાનો આશરે 75 ટકા હિસ્સો છે તેમજ અત્યારે આશરે 10 હજાર ઉત્પાદકો, આયાતકારો અને બ્રાન્ડ્સ એનાં કાર્યક્ષેત્રમાં આવી ગઈ છે.

વડાપ્રધાન મોદીએ આ બેઠકમાં એ બાબત પર પ્રકાશ ફેંક્યો હતો કે, 21મી સદીનું ભારત આબોહવામાં પરિવર્તન અને પર્યાવરણીય સંરક્ષણ માટે અતિ સ્પષ્ટ રૂપરેખા સાથે અગ્રેસર થયું છે. ભારતે વર્તમાન જરૂરિયાતો અને ભવિષ્યના વિઝન વચ્ચે સંતુલન પેદા કર્યું છે એના પર ભાર મૂકીને વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે દરિદ્રનારાયણ કે અતિ ગરીબોને જરૂરી મદદ પ્રદાન કરવામાં આવે છે, ત્યારે ભવિષ્યની ઊર્જાલક્ષી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ મોટાં પગલાં લેવામાં આવ્યાં છે. વડાપ્રધાન મોદીએ સૌર ઊર્જા અને LED બલ્બોના ઉદાહરણો આપ્યાં હતાં તથા તેનાથી લોકોનાં નાણાંની બચત કરવામાં મદદ મળી છે અને પર્યાવરણનાં સંરક્ષણ માટે પ્રદાન થયું છે એવો અભિપ્રાય વ્યક્ત કરીને કહ્યું હતું કે, “છેલ્લાં 9 વર્ષ દરમિયાન ભારતે સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ ઊર્જા પર અસાધારણ રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.” વૈશ્વિક મહામારી દરમિયાન ભારતના નેતૃત્વ પર પ્રકાશ ફેંકીને વડાપ્રધાન મોદીએ જાણકારી આપી હતી કે, ભારતે મિશન ગ્રીન હાઇડ્રોજન શરૂ કર્યું હતું તથા રાસાયણિક ખાતરો પાસેથી જમીન અને પાણી બચાવવા સજીવ ખેતી તરફ મુખ્ય પગલાં લેવાનો પ્રારંભ કર્યો છે.

વડાપ્રધાન મોદીએ જાણકારી આપી હતી કે, ગ્રીન ફ્યુચર, ગ્રીન ઇકોનૉમી (પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય, પર્યાવરણને અનુકૂળ અર્થતંત્ર) અભિયાનને વેગ આપવા આજે બે વધુ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ સાથે તેમણે કહ્યું હતું કે, “છેલ્લાં 9 વર્ષ દરમિયાન ભારતમાં રામસર સ્થાનો અને વેટલેન્ડ (ભેજવાળી જમીન)માં અગાઉની સરખામણીમાં લગભગ 3 ગણો વધારો થયો છે.” વડાપ્રધાન મોદીએ નોંધ્યું હતું કે, ‘અમૃત ધરોહર યોજના’ આજે શરૂ થઈ છે, જે જનભાગીદારી મારફતે આ રામસર સ્થાનોનું સંરક્ષણ સુનિશ્ચિત કરશે. વડાપ્રધાન મોદીએ સમજાવ્યું હતું કે, ભવિષ્યમાં આ રામસર સ્થાનો ઇકો-ટૂરિઝમ (પર્યાવરણને અનુરૂપ પ્રવાસન) માટે કેન્દ્ર બનશે અને સાથે સાથે હજારો લોકો માટે પર્યાવરણને અનુકૂળ રોજગારીઓનો સ્તોત્ર બનશે. તેમણે ઉમેર્યું હતું કે, બીજી યોજના છે – ‘મિષ્ટી યોજના,’ જે દેશની મેન્ગ્રોવ ઇકોસિસ્ટમને બેઠી કરવા અને તેનું સંરક્ષણ કરવામાં મદદરૂપ થશે. વડાપ્રધાન મોદીએ વિગતવાર સમજણ આપીને જણાવ્યું હતું કે, મેન્ગ્રોવનું કવચ દેશનાં 9 રાજ્યોમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે તથા દરિયાની સપાટીના સ્તરમાં વધારા અને ચક્રવાતો જેવા તોફાનોથી દરિયાકિનારાનાં વિસ્તારોમાં રહેતાં લોકો અને તેમની આજીવિકાના જોખમને ઓછામાં ઓછું કરવા મદદરૂપ થશે.

વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દુનિયામાં દરેક દેશે દુનિયાની આબોહવાનાં રક્ષણ માટે અંગત સ્વાર્થોથી પર થઈને વિચારવું જોઈએ. દુનિયાનાં મોટાં અને આધુનિક દેશોમાં ઘણાં દેશોમાં લાંબા સમયથી દેશના વિકાસ અને સાથે સાથે પર્યાવરણને નુકસાન વિશે ચિંતા પેદા કરે તેવા વિકાસના મોડલ તરફ ધ્યાન દોરીને વડાપ્રધાન મોદીએ ભાર મૂક્યો હતો કે, આ પ્રકારના દેશોએ વિકાસનાં લક્ષ્યાંકો હાંસલ કર્યા હોવા છતાં તેની કિંમત આખી દુનિયાનાં પર્યાવરણને ભોગવવી પડે છે કે ચુકવવી પડી છે. વડાપ્રધાન મોદીએ તેમની વાત આગળ વધારતાં જણાવ્યું હતું કે, હાલ પણ દુનિયામાં વિકાસશીલ અને અવિકસિત દેશો થોડાં વિકસિત દેશોની ખામીયુક્ત નીતિઓનાં નુકસાનકારક પરિણામોનો સામનો કરી રહ્યાં છે. ભારતે આ પ્રકારનાં દરેક દેશ સામે ક્લાઇમેટ જસ્ટિસનો મુદ્દો ઉઠાવ્યો છે એના પર ખુશી વ્યક્ત કરીને વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “દાયકાઓથી કેટલાંક વિકસિત દેશોના આ અભિગમને અટકાવવા કોઈ દેશ આગળ આવ્યો નહોતો.”

વડાપ્રધાન મોદીએ ઇકૉલોજી (પારિસ્થિતિક તંત્ર) અને ઇકોનૉમી (અર્થતંત્ર) વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની પ્રેરણા પ્રાપ્ત થવાનો શ્રેય ભારતને આપીને ટિપ્પણી કરી હતી કે, “ભારતના હજારો વર્ષની જૂની સંસ્કૃતિમાં પ્રકૃતિ અને પ્રગતિ વચ્ચે હંમેશા સંતુલન જોવા મળ્યું છે.” વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત પોતાના માળખામાં અસાધારણ રીતે રોકાણ કરી રહ્યો છે અને સાથે સાથે એટલું જ ધ્યાન પર્યાવરણનાં સંરક્ષણ પર આપી રહ્યો છે. અર્થતંત્ર અને પારિસ્થિતિક તંત્રને વેગ આપવાની સરખામણીઓ પર ધ્યાન દોરીને વડાપ્રધાન મોદીએ એક તરફ 4જી અને 5જી કનેક્ટિવિટીનાં વિસ્તરણનાં ઉદાહરણો આપ્યાં હતાં, તો બીજી તરફ દેશમાં જંગલના કવચમાં વધારો થયો હોવાની જાણકારી આપી હતી.

તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે ભારતે ગરીબો માટે 4 કરોડ મકાનોનું નિર્માણ કર્યું છે, ત્યારે ભારતમાં વન્યજીવ અભિયારણ્યો અને વન્યજીવોમાં રેકોર્ડ સંખ્યામાં વધારો થયો છે. પીએમ મોદીએ જલ જીવન અભિયાન અને જળસુરક્ષા માટે 50,000 અમૃત સરોવરોના નિર્માણના મુદ્દે પણ વાત કરીને જણાવ્યું હતું કે, ભારત દુનિયામાં 5મું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે અને પુનઃપ્રાપ્ય ઊર્જામાં ટોચના  દેશોમાં પણ સામેલ થયું છે, દેશની કૃષિ નિકાસમાં વધારો થયો છે અને પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલના મિશ્રણ માટે એક અભિયાન પણ ચલાવ્યું છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ભારત કોઅલિશન ફોર ડિઝાસ્ટર રિસાયલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર – CDRI અને ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ જેવી સંસ્થાઓનો આધાર બની ગયો છે.

મિશન LiFE એટલે લાઇફસ્ટાઇલ ફોર એન્વાયર્મેન્ટ જનઅભિયાન બની ગયું છે એ વિશે વાત કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ અભિયાન આબોહવામાં પરિવર્તનનો સામનો કરવા જીવનશૈલીમાં પરિવર્તનો લાવવા વિશે નવી જાગૃતિ લાવી રહ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, જ્યારે ગયા વર્ષે ગુજરાતમાં કેવડિયા-એકતા નગરમાં અભિયાન શરૂ થયું હતું, ત્યારે લોકો વચ્ચે જિજ્ઞાસાવૃત્તિ જોવા મળી હતી, પરંતુ એક મહિના અગાઉ મિશન LiFE સાથે સંબંધિત એક અભિયાન શરૂ થયું હતું, જેમાં 30 દિવસથી ઓછાં સમયગાળામાં 2 કરોડ લોકો એમાં સામેલ થયા હતા. તેમણે ‘Giving Life to My City’ (‘ગિવિંગ લાઇફ ટૂ માય સિટી’)નાં જુસ્સા સાથે રેલીઓ અને ક્વિઝ સ્પર્ધાઓનું આયોજન કરવા વિશે પણ માહિતી આપી હતી. “લાખો સાથીદારોએ તેમના રોજિંદા જીવનમાં ચીજવસ્તુઓનાં રિયુઝ (વપરાશમાં ઘટાડો), રિયુઝ (તેનો પુનઃવપરાશ), રિસાયકલના મંત્રને અપનાવ્યો છે,” એવું જણાવીને વડાપ્રધાન મોદીએ ભાર મૂક્યો હતો કે, મિશન LiFEનો મૂળભૂત સિદ્ધાંત દુનિયામાં પરિવર્તન લાવવા વ્યક્તિની પ્રકૃતિ બદલવા સાથે સંબંધિત છે. પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, “મિશન LiFE સંપૂર્ણ માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય, આપણી ભવિષ્યની પેઢીઓ માટે સમાન રીતે મહત્વપૂર્ણ છે.”

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે,  “આબોહવામાં પરિવર્તન તરફ આ જાગૃતિ ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ પહેલ માટે વૈશ્વિક ટેકો સમગ્ર દુનિયામાં વધારો થયો છે.” તેમણે ગયા વર્ષે પર્યાવરણ દિવસ પર વૈશ્વિક સમુદાય કરેલી વિનંતી યાદ કરાવી હતી, જેમાં તેમણે વ્યક્તિઓ અને સમુદાયોમાં આબોહવામાં મૈત્રીપૂર્ણ અભિગમમાં પરિવર્તન લાવવા નવીન સમાધાનો વહેંચવા પણ જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ખુશી વ્યક્ત કરી હતી કે, આશરે 70 દેશોમાંથી વિદ્યાર્થીઓ, સંશોધકો, વિવિધ ક્ષેત્રોમાંથી નિષ્ણાતો, વ્યવસાયિકો, સેવાભાવી સંસ્થાઓ (NGOs) અને સામાન્ય નાગરિકો સહિત હજારો સાથીદારોએ તેમના અભિપ્રાયો અને સમાધાનો વહેંચ્યાં હતાં, જેનું મૂલ્યાંકન કરી શકાય છે અને વ્યાપનો અંદાજ કરી શકાય છે. તેમણે પર્યાવરણનાં સંરક્ષણલક્ષી વિચારો માટે એવોર્ડ મેળવનાર લોકોને અભિનંદન પણ આપ્યાં હતાં.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મિશન LiFE માટે લેવામાં આવેલું દરેક પગલું આગામી સમયમાં પર્યાવરણ માટે મજબૂત કવચ બની જશે. તેમણે એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, LiFE માટે વૈચારિક નેતૃત્વનું કલેક્શન આજે જાહેર પણ થયું છે. આ પ્રકારનાં પ્રયાસો પર્યાવરણને અનુકૂળ વૃદ્ધિ માટે સંકલ્પનને વધારે મજબૂત કરશે.