Site icon Revoi.in

ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ: સવારે ઠંડી, બપોરે ગરમી!

Social Share

અમદાવાદ: ગુજરાતના નાગરિકોએ હાલ શિયાળાની ઋતુમાં બેવડી ઋતુનો અનુભવ સહન કરવો પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થશે, જ્યારે બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધશે. તાજેતરના આંકડા મુજબ, રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં 9.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જોકે, મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ઊંચું રહેતા ઠંડીનું જોર ઘટ્યું છે. રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન 14 થી 15 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે તાપમાનમાં થઈ રહેલા આ ફેરફારનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. જોકે, હાલ પવનની દિશા પૂર્વીય તરફની હોવાથી વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન એટલે કે બપોરના સમયે મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. તાપમાનની આ વધઘટ ગુજરાતના લોકોને એકસાથે ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ કરાવશે. આ પરિસ્થિતિ આગામી દિવસોમાં પણ જળવાઈ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના તાજેતરના અંદાજ મુજબ, સમગ્ર ગુજરાતમાં આગામી કેટલાક દિવસો સુધી બેવડી ઋતુનો અનુભવ યથાવત્ રહેવાની શક્યતા છે. મોટાભાગના વિસ્તારોમાં હળવીથી સામાન્ય ઠંડીનો અનુભવ ચાલુ રહેશે. પવનની દિશામાં થોડા ફેરફાર થવાથી વહેલી સવારે ઠંડક જળવાઈ રહેશે. લઘુત્તમ તાપમાન મોટા ભાગના શહેરોમાં 14થી 16 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાન મોટાભાગના વિસ્તારોમાં 32થી 34 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેના કારણે બપોરે ગરમી અને બફારાનો અનુભવ થઈ શકે છે.

Exit mobile version