Site icon Revoi.in

બાંગ્લાદેશમાં ફરી એકવાર કટ્ટરપંથીઓએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું : તોડફોડ કરીને લૂંટ ચલાવી

Social Share

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિન્દુ મંદિરમાં હુમલાની ઘટના સામે આવી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકા સ્થિત ઈસ્કોન રાધાકાંતા મંદિર ઉપર કટ્ટરપંથીઓના ટોળાએ હુમલો કર્યો હતો. કટ્ટરપંથીઓએ મંદિરમાં તોડફોડ મચાવીને કિંમતી વસ્તુઓની લૂંટ ચલાવી હતી. આ બનાવમાં કટ્ટરપંથીઓનો સામનો કરનારા કેટલાક વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ઢાકામાં વારીમાં 222 લાલ મોહન સાહા સ્ટ્રીટ સ્થિત ઈસ્કોન રાધાકાંત મંદિરમાં સાંજના સમયે હુમલાની ઘટના બની હતી. આ હુમલો હાજી સૈફુલ્લાહની આગેવાનીમાં 200થી વધારે લોકોના ટોળએ હુમલો કર્યો હતો. મંદિરમાં તોડફોડ અને લૂંટફાંટ કરી હતી. હુમલામાં સુમંત્રા ચંદ્ર શ્રવણ, નિહાર હલ્દાર, રાજીવ ભદ્ર અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયાં હતા.

મંદિરમાં હુમલાની આ પ્રથમ ઘટના નથી, બાંગ્લાદેશમાં હિન્દુઓ અને મંદિરો ઉપર હુમલાના અવાર-નવાર બનાવો બને છે. આ અગાઉ નવરાત્રિમાં હિન્દુઓ વિરુદ્ધ અફલા ફેલાવીને દુર્ગા પંડાલ ઉપર હુમલો કર્યો હતો. એટલું જ નહીં હિન્દુઓના ઘરને પણ કટ્ટરપંથીઓએ નિશાન બનાવ્યાં હતા. તેમજ ઢાકા સ્થિત ઈસ્કોન મંદિર ઉપર પણ હુમલો થયો હતો.

બાંગ્લાદેશના અલ્પસંખ્યક અધિકારો ઉપર કામ કરતી સંસ્થા ઓકેએસ અનુસાર છેલ્લા 9 વર્ષમાં બાંગ્લાદેશમાં લઘુમતી ઉપર હુમલાના 3679 બનાવ બન્યાં છે. આ દરમિયાન 1678 બનાવ ધાર્મિક સ્થળમાં તોડફોડ અને હથિયારો બનાવો સામે આવ્યાં છે. આ ઉપરાંત ઘર અને મકાનોમાં તોડફોડ અને આગચંપી સહિત હિન્દુઓને નિશાન બનાવીને સતત હુમલા કરવામાં આવે છે.