Site icon Revoi.in

ઈજનેરી, ફાર્મસી અને ટેકનિકલ કોલેજોના અધ્યાપકો ચાલુ પગારે IIT/NITમાં તાલીમ લઈ શકશે

Social Share

ગાંધીનગરઃ  રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા તકનીકી શિક્ષણના પાયારૂપ અધ્યાપકોને તાલીમ આપીને તેમના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરવા રાજ્ય કટિબદ્ધ છે. જેના ભાગરૂપે રાજ્યની સરકારી ઈજનેરી/ફાર્મસી/પોલીટેકનિક કોલેજો ખાતેના અધ્યાપકોને ઉચ્ચ અભ્યાસ કરવાના લાભો મળી રહે અને તે અન્વયે આ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ અધ્યાપકો દ્વારા મેળવેલ ઉચ્ચ અભ્યાસનો લાભ મળી રહે તે હેતુથી રાજ્ય સરકારના  ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આજે એટલે કે તા. 21 ડિસેમ્બર- 2023ના રોજ Quality Improvement Program-QIPની અમલવારી કરવામાં આવશે.

મંત્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં આવેલી 16 ઇજનેરી, 3 ફાર્મસી અને 31 પોલીટેકનિક કોલેજોમાં કાર્યરત અધ્યાપકોને દેશની ખ્યાતનામ ટેકનિકલ સંસ્થાઓ જેવી કે IIT/NITમાં પૂર્ણ પગારે ઉચ્ચ અભ્યાસ કરવાની તકો ઉપલબ્ધ બનશે. આ Quality Improvement Program-માં અંદાજે 3800  જેટલા અધ્યાપકોને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ થકી ગુણવત્તા સુધારાનો લાભ મળશે. રાજ્યની સરકારી ટેકનિકલ ક્ષેત્રના અધ્યાપકોને પોતાની શૈક્ષણિક લાયકાતમાં વધારો કરવા માટેની તક ઉપલબ્ધ થવાના પરિણામે રાજ્યની ઇજનેરી/પોલીટેકનિક/ફાર્મસી કોલેજોમાં અભ્યાસ કરતા આશરે 78,000થી વધારે વિદ્યાર્થીઓને ગુણવતા યુક્ત શિક્ષણનો લાભ મળશે.

તેમણે કહ્યું હતું કે અધ્યાપકો અને વિદ્યાર્થીઓમાં સંશોધન અને ઇનોવેશન ક્ષેત્રે રૂચી વધશે, જેનાથી તકનીકી શિક્ષણની ગુણવત્તામાં સતત સુધારો થશે. જેના થકી શૈક્ષણિક સંસ્થા અને ઔદ્યોગિક એકમો વચ્ચે સંશોધન- ઇનોવેશન માટે વધુ સંકલન થઇ શકશે. આ નિર્ણય વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે ઉજ્જવળ તકો સમાન અને લાંબા ગાળા માટે મહત્વનો સાબિત થશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.