Site icon Revoi.in

દિલ્હીમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલનઃ હિંસામાં ઘાયલ પોલીસ કર્મચારીઓની અમિત શાહે લીધી મુલાકાત

Social Share

દિલ્હીઃ 26મી જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રેકટર રેલી દરમિયાન થયેલી હિંસામાં ઘાયલ થયેલા પોલીસ કર્મચારીઓને મળવા માટે ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલ ગયા હતા. તેમણે હોસ્પિટલના તબીબો સાથે પણ ચર્ચા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, દિલ્હી પોલીસના ઘાયલ જવાનોને મળી રહ્યો છું. તેમના સાહસ અને બહાદુરી પણ અમને ગર્વ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં આંદોલન કરતા ખેડૂતો દ્વારા તા. 26મી જાન્યુઆરીના રોજ ટ્રેકટર પરેડ યોજવામાં આવી હતી. આ દરમિયાન હિંસા થતા 300થી વધારે પોલીસ કર્મચારી ઘાયલ થયાં હતા. ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને સુશ્રુત ટ્રોમા સેન્ટર તથા તીર્થરામ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતા. દરમિયાન આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને મળવા હોસ્પિટલ ગયા હતા. જ્યાં તેમણે પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારજનોની મુલાકાત લીધી હતી.

દિલ્હીમાં થયેલી હિંસા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના નિવાસસ્થાને ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગૃહ સચિવ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા. પોલીસે હિંસા મામલે 37 જેટલા ખેડૂત નેતાઓ સામે 25 જેટલી ફરિયાદ નોંધી છે. દિલ્હી પોલીસે આરોપ લગાવ્યો હતો કે, ખેડૂત નેતાઓએ ભડકાઉ ભાષણો આપ્યા હતા અને આ નેતાઓ પણ હિંસામાં સામેલ હતા. દિલ્હી હિંસામાં ઘાયલ થયેલા પોલીસ કર્મચારીઓને મળવા માટે ઉપરાજ્યપાલ અનિવ બૈજલ પણ સુશ્રિત ટ્રોમા સેન્ટર ગયા હતા. તેમણે કહ્યું હતું કે, જે થયું કે ખોટુ થયું છે અને સરકાર કાર્યવાહી કરી રહી છે.