Site icon Revoi.in

દિયોદરની સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોએ મામલતદાર કચેરીએ નારા લગાવ્યા

Social Share

પાલનપુરઃ ઉનાળાના પ્રારંભથી જ બનાસકાંઠામાં પાણીનો કકળાટ શરૂ થયો છે. જિલ્લાના જળાશયોમાં પાણીનો 10 ટકા જથ્થો બચ્યો નથી. બીજીબાજુ સુઝલામ-સુફલામની કેનાલોમાં પાણી આપવાનું બંધ કરાતા ખેડુતો વિરોધ કરી રહ્યા છે. ઉનાળામાં જયાં પાકને પાણીની જરૂર હોય ત્યાં જ કેનાલમાં પાણી બંધ કરવામાં આવતા સિંચાઈ વિભાગ સામે ખેડૂતો લાલઘૂમ થયા છે.મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈને ઢોલ લઈને મામલતદાર કચેરી પહોંચ્યા હતા. જયાં નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી કેનાલમાં પાણી ચાલુ કરવા માટે રજૂઆત કરી હતી.અમારી માંગે પુરી કરો નહીંતર “ખુરશી ખાલી” કરોના ખેડૂતોએ નારા લગાવ્યા હતા.

બનાસકાંઠામાં પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે. બનાસકાંઠામાં ભૂગર્ભ જળ સમસ્યાનો મુદ્દો સાંસદ પરબત પટેલે સંસદમાં ઉઠાવ્યો હતો. તેમણે અટલ ભૂજલ યોજના અંતર્ગત કેનાલની કામગીરી જલ્દી પૂર્ણ કરવા માંગ કરી હતી.  બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા શરૂ થઈ છે. મોટાભાગના ડેમ તેમજ તળાવો ખાલીખમ છે. જેના કારણે ખેડૂતોથી લઈને પશુપંખીઓ પણ પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. જિલ્લામાં કાંકરેજ તાલુકાના 23, ડીસા તાલુકાના 20 તેમજ દાંતીવાડા તાલુકાના બે તળાવો ભરવા માટેની કામગીરી અત્યારે ચાલુ છે. નર્મદાના નીરથી જોડાયેલા આ 45 તળાવમાં નવા નીર આવતા ખાલીખમ તળાવોમાં પાણી ભરાયું છે.જેના કારણે પીવાના પાણીની સમસ્યાથી લઈને પશુ પંખીઓને પણ આકરા ઉનાળામાં પાણી મળી રહેશે. પંથકમાં ઓછા વરસાદના કારણે ભૂગર્ભ જળ સતત ઊંડા જઈ રહ્યા છે. જયારે બીજી તરફ તળાવો પણ ખાલીખમ રહેતા ગામના પશુ, પંખીઓ માટે પીવાના પાણીની મોટી સમસ્યા છે.