Site icon Revoi.in

કચ્છમાં ઈઝરાયલની બાગાયત ખેતી પદ્ધતિથી 19,000 હેક્ટરમાં ખેડૂતોએ કર્યું ખારેકનું વાવેતર

Social Share

ભૂજઃ  કચ્છ જિલ્લામાં છેલ્લા બે દાયકાથી કૃષિ ક્ષેત્રે પણ સારોએવો વિકાસ થયો છે. જેમાં નર્મદાના નીર મળ્યા બાદ કૃષિ ઉત્પાદનમાં પણ સારોએવો વધારો થયો છે. ખેડૂતોએ પોતાની મહેનતથી ઉત્પાદન કરેલા કેસર, ખારેક, દાડમ, પપૈયાં જેવા મીઠાં બાગાયતી ફળોના સ્વાદ માત્ર કચ્છ કે ગુજરાત જ નહીં પરંતુ દેશ – દુનિયાંમાં વિખ્યાત થયા છે. ત્યારે ખેતી અને પશુપાલનમાં વિશ્વ જેને અનુસરે છે એ ઈઝરાયેલની બાગાયત ખેતી પધ્ધતિ કચ્છના ખેડુતોએ પણ અપનાવી છે. કચ્છ જિલ્લામાં આ વર્ષે 19,000 હેક્ટરમાં ખારેકનું વાવેતર કરવામાં આવ્યું છે અને 1,80,000 મેટ્રિક ટન ઉત્પાદન થવાની શક્યતા છે.

જિલ્લાના બાયતી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  વિષમ આબોહવા ધરાવતા કચ્છમાં બાગાયતી ખેતીમાં ખેડુતોએ કાઠુ કાઢયું છે. કચ્છની કેસર હોય કે ખારેક વિશ્વમાં આ બાગાયતી ફળ માટે કચ્છે આગવી નામના ઉભી કરી છે. હવે પરિસ્થિતિ એવી છે કે, કચ્છી માડુઓ આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિથી મબલખ બાગાયતી પાકો લઇ રહ્યાં છે. જિલ્લામાં મુખ્યત્વે ખારેકનું વાવેતર મુન્દ્રા, ભુજ અને અંજારમાં વિશેષ છે, પરંતુ હવે નખત્રાણા તાલુકામાં પણ એનું ઉત્પાદન વધ્યું છે. ક્ષારયુક્ત જમીનમાં ખારેકના રોપાનો વિકાસ જલદી થાય છે અને ઊપજ પણ સારી આવે છે. બારહી ખારેકની અન્ય રાજ્યોમાં વિશેષ માગ હોય છે. આસપાસના તેમજ અન્ય વિસ્તારોમાંથી ખારેકની કચ્છથી બેંગલુરુ, રાયપુર, કોલકાતા, ગોવા, નાસિક અને ચેન્નઇ સુધી માગ વધતાં એને પહોંચાડવામાં આવે છે.

કચ્છના ખેડુતોના કહેવા મુજબ  વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ખારેકનાં વાવેતરમાં વધારો થયો છે. ખારેકની ખેતી કરતાં ખેડૂતો દેશી ખાતર, ગૌમુત્રનો ઉપયોગ કરી રહ્યાં છે. જેના કારણે ખારેકના સ્વાદમાં મીંઠાશ આવે છે. આ મીંઠાશને કારણે જ કચ્છની ખારેકની વિદેશમાં માગ વધી રહી છે. કચ્છનાં ખેડૂતો ખારકને વિદેશમાં એક્સપોર્ટ કરીને સારા એવા ભાવ મેળવી રહ્યાં છે. ખારેકને ઝાડ પરથી ઉતર્યા બાદ તેને સાફ કરી અલગ-અલગ બોક્સમાં પેકીંગ કરી વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવી રહી છે. કચ્છી ખારેક દર વર્ષે સિંગાપુર, મલેશિયા, ઇન્ડોનેશિયા, યુકે, મુંબઇ, મ્યાનમાર, લંડન તેમજ સાઉથ ઇન્ડિયામાં એક્સપોર્ટ કરવામાં આવે છે. ચાલુ વર્ષે ઉત્પાદનનો આંકડો જોતાં અંદાજીત કરોડોનાં કારોબારની શક્યતા છે. ઈઝરાયેલી ખારેકની મબલખ પાક લઇ ખેડૂતો મબલખ કમાય છે.

બાગાયતી અધિકારીએ જણાવ્યું હતું કે,કચ્છમાં દર વર્ષે વાવેતરમાં વધારો થઇ રહ્યો છે કારણ કે, કચ્છનું વાતાવરણ ખારેકને અનુકૂળ આવે છે, લાંબો સમય ગરમી રહેવાની સાથે વરસાદ પણ મોડો આવતો હોવાના કારણે ખારેકની મીઠાશ તેમજ તેની ગુણવત્તા સતત જળવાઇ રહે છે. ખારેકની વધતી માગને ધ્યાને લઇને જિલ્લામાં ચાલુ વર્ષે ખારેકનું 1000 હેક્ટર વાવેતર વધ્યું છે. તેની સામે જિલ્લામાં 19,000 હેક્ટરમાં ખારેકનું ઉત્પાદન લેવામાં આવી રહ્યું છે. આ જોતાં ચાલુ વર્ષે 1,80,000 મેટ્રિક ટન ખારેકનું ઉત્પાદન થવાની શક્યતા છે. કચ્છમાં ખારેકનું વાવેતર વધવાની સાથે ખારેકની માગમાં પણ વધારો થઇ રહ્યો હોવાનાં કારણે ખારેકનું વાવેતર કરતાં ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યા છે.