Site icon Revoi.in

અરવલ્લી જિલ્લામાં બટાકાના ઉત્પાદનમાં વિઘાદીઠ ઉતારો ઓછો આવતા ખેડુતો ચિંતિત

Social Share

મોડાસાઃ  અરવલ્લી જિલ્લામાં બટાકાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. મોટેભાગે વેફર બનાવવામાં વપરાતા એલ.આર. બટાકાના વાવેતર બાદ ચાલુ વર્ષે ખેડૂતોને વિઘાદીઠ 40થી 50 મણનો ઉતારો ઓછો મળતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લાના મોડાસા, ધનસુરા, બાયડ સહિત જિલ્લાભરના તાલુકાઓમાં ખેડૂતોએ વાવેલા બટાકાનો પાક તૈયાર થતા તેને કાઢવાની શરૂઆત કરવામાં આવી છે. બનાસકાંઠા બાદ અરવલ્લી જિલ્લો બટાકાનું  હબ ગણાય છે ત્યાં પણ ખેડૂતો દ્વારા નવા બટાકા કાઢવાના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષે શિયાળામાં વારંવાર થયેલા માવઠાના કારણે બટાકાના પાકના ઉત્પાદનને અસર જોવા મળી છે. સતત બદલાતા વાતાવરણને કારણે ખેડૂતો માટે નવી આફત સર્જાઈ છે. સતત રોગચાળાની સ્થિતિને લઈને બટાકામાં ઉત્પાદન ઘટતા સામે થતો ખર્ચ માથે પડી રહ્યો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અરવલ્લી જિલ્લાના ખેડૂતો મોટેભાગે એલ.આર. બટાકા સૌથી વધુ વાવતા હોય છે. જેનો ઉપયોગ નમકીન કંપનીઓ દ્વારા વેફર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા હોય છે. ગત વર્ષની સરખામણીમાં વીઘા દીઠ 40થી 50 મણનો ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો મણનો 210 થી 230 સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે. શિયાળામાં સમયાંતરે થયેલા કમોસમી વરસાદના કારણે બટાકાની ખેતીમાં ખેડુતોને નુકશાન સહન કરવાની નોબત આવી છે અને વીઘા દીઠ 30 થી 40 મણ ઓછો ઉતારો ઓછો આવી રહ્યો છે. હાલ ખેડૂતો દ્વારા સ્પેશ્યલ ગ્રેડિંગ મશીન દ્વારા ગ્રેડિંગ કરી પેકીંગ કરીને તેને વેફર્સ કંપનીઓમાં એક્સપર્ટ કરવામાં આવી રહ્યા છે. એક તરફ ખાતર, બિયારણ, ડીઝલ અને મજૂરીના ભાવો સતત વધી રહ્યા છે, ખેડૂતોને બટાકાની ખેતી માટે વીઘા દીઠ 20 થી 25 હજાર જેટલો ખર્ચ થાય છે, ત્યારે સતત પાંચ વર્ષથી બટાકાના ભાવો 200થી લઈ 220 સુધીના રહેતા બટાકા વાવતા ખેડૂતોને આર્થિક મુશ્કેલી સહન કરવાનો વારો આવી રહ્યો છે. બટાકાના વાવેતર પાછળ વધતા ખર્ચની સામે ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. તેના કારણે બટાકાનું વાવેતર કરવા માંગતા નવા ખેડૂતો માટે મોટી આફત સર્જાશે.