Site icon Revoi.in

ભારત માલા એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન મામલે થરાદના પાંચ ગામના ખેડુતોનો વિરોધ

Social Share

થરાદઃ કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલામાંથી એક્સપ્રેસ હાઇવેને જોડતા સિક્સલેન લિંક રોડનું જાહેરનામું બહાર પાડીને જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના સામે વાંધો દર્શાવી કાયમી ધોરણે જમીન સંપાદન કરવા સામે વાંધો દર્શાવી થરાદ તાલુકાના પાંચ ગામોના ખેડુતોએ જાહેરનામું રદ કરવાની માંગણી કરી હતી. ખેડુતોએ તેમની મહામુલી જમીન કપાત થવાની બિનખેડુત થઇ જવાનો ભય પણ વ્યક્ત કર્યો હતો. જો કે તેમની માંગણી નહી સંતોષાય તો આંદોલન અને કોર્ટમાં જવાની પણ ખેડુતોએ ચિમકી ઉચ્ચારી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના થરાદ પંથકમાંથી ભારત માલામાંથી અમદાવાદ એક્સપ્રેસ હાઇવેનો જોડતો સિક્સલેન લિંક રોડ બનાવાશે. જેના માટે કાયમી ધોરણે જમીન સંપાદન કરવાનું જાહેરનામું પણ નેશનલ હાઇવે એક્ટ મુજબ બહાર પાડવામાં આવતાં તેનો વિરોધ કરવા મંગળવારે સાંજે થરાદ તાલુકાના પાંચ ગામોના ખેડુતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ખેડુતોએ પ્રાંત અધિકારીને વાંધા અરજીઓ આપી હતી. જેમાં એવી રજુઆતો કરવામાં આવી હતી કે,  પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું જીવનધોરણ નિભાવતી મહામુલી જમીનમાં  120 મીટર કપાત થતી હોવાના કારણે ત્રાંસા ખેતરો કપાવાથી તેમજ  હાઈવે હાઇટમાં ઉંચો બનતો હોવાથી  ખેડુતોને જમીનવિહોણા થવાનો  અને બોર, બાગાયતી ખેતી વિગેરે નિષ્ફળ જવાથી બિનખેડુત થવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો.

થરાદ તાલુકાના વજેગઢ, મલુપુર, મોટીપાવડ, નાનીપાવડ અને સણાવિયાના સો જેટલા ખેડુતોએ આવીને વાંધા અરજીમાં તેમની એક વિઘા જમીનમાંથી પ્રતિ વર્ષ ખર્ચ કાઢતાં ઓછામાં ઓછું બે લાખનું ઉત્પાદન મેળવતા હોઇ તેમની વડીલોપાર્જિત અને આજીવિકાનું એકમાત્ર સાધન એવી મોકાની અને કિંમતી જમીન કોઇપણ સંજોગોમાં આપી શકીએ નહી તેમ જણાવી સરકાર દ્વારા જાહેરનામું તાત્કાલિક રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. જો કે તેમની માંગણી નહી સંતોષાય તો  આંદોલન અને કોર્ટમાં જવાની પણ ખેડુતોએ ચિમકી ઉચ્ચારી હતી.